શુક્રવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 52 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલૂસ માટે એકઠા થઈ રહ્યા હતા. મસ્તુંગ શહેરના એસીએ જણાવ્યું કે વિસ્ફોટ ડીએસપી નવાઝ ગિશકોરીની કાર પાસે થયો હતો.
જિયો ન્યૂઝ અનુસાર હુમલામાં મૃત્યુ પામેલા પોલીસ અધિકારી ડીએસપી નવાઝ છે. બલૂચિસ્તાનના કેરટેકર ઈન્ફોર્મેશન મિનિસ્ટર જાન અચકઝઈએ કહ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જરૂર પડશે તો તેમને કરાચી પણ ખસેડવામાં આવશે. ઘાયલોની સારવારની સંપૂર્ણ જવાબદારી સરકાર લેશે.અચકઝઈએ કહ્યું- અમારા દુશ્મનો વિદેશી દળોની મદદથી બલૂચિસ્તાનમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને શાંતિ ડહોંળવા માંગે છે. આવા હુમલાઓને સહન કરવામાં આવશે નહીં. બલૂચિસ્તાનમાં સરકારના મંત્રીઓ અને અન્ય ઘણા નેતાઓએ હુમલાની નિંદા કરી છે.સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) જાવેદ લેહરીએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે, જ્યારે હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.