મધ્યપ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ છે. રાજ્યની મુખ્ય નદી નર્મદાની જળ સપાટી વધી રહી છે. રાજ્યના 6 ડેમના દરવાજા ખોલવા પડ્યા. બરગી-તવા ડેમમાં સતત પાણીની આવક વધવાના કારણે 13-13 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમના 22 દરવાજા મોડી રાત્રે ખોલવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે નર્મદામાં પાણી ઝડપથી વધશે. આસપાસના વિસ્તારોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે. 21થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે.
નર્મદા નદી બનશે ગાંડીતૂર
આ તરફ નજીકના ડેમોમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદી પણ તેનું ઉગ્ર સ્વરૂપ બતાવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઓમકારેશ્વરમાં ડેમ મેનેજમેન્ટે શુક્રવાર અને શનિવારની વચ્ચેની રાત્રે ઓમકારેશ્વર ડેમના 22 દરવાજા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. ગેટ ખોલ્યા બાદ ડેમના આઠ ટર્બાઇન સહિત કુલ 10172 ક્યુમેક્સ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. જેના કારણે આસપાસના તમામ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે આદિ શંકરાચાર્યની પ્રતિમાના અનાવરણ સ્થળ સુધી પહોંચવા માટે નર્મદા નદીની વચ્ચે જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે તે પણ ડૂબી જશે