એક યુવક મણિનગરમાં એલ.જી.હોસ્પિટલની નજીકમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે બંદૂકની અણીએ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ક્લિક થઈ હતી. જોકે ઘટના બાદ જ્યારે ચોર નાસી રહ્યો હતો ત્યારે લોકોની ભીડ તેની પાછળ પડી ગઈ હતી. તે સમયે જ તેણે ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ મામલે ચોરી કરવા આવેલા અને સામાન્ય નાગરિકોની ભીડ પર ગોળી ચલાવનારા યુવકની ધરપકડ કરી લીધી છે.
આ યુવક પોતે આર્મી મેન હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. તે જયપુરનો રહેવાશી છે. તે છેલ્લાં પાંચ વર્ષથી આર્મીમાં ફરજ પર તહેનાત હતો. તે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ પર હોવાનું બહાર આવ્યું છે. તેને લોકોની ભીડે પકડી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર આ યુવકનું નામ લોકેન્દ્ર શેખાવત છે. તેણે કહ્યું કે વધારે પડતું દેવું થઈ જવાને લીધે તેણે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. તે ગઈકાલે સાંજે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.