હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લામાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 22 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. શહેરમાં પાણી ફરી વળતાં અનેક કારો તણખલાની જેમ તણાઇ ગઇ છે. તો ઘરોમાં પાણી ભરાઇ જતાં જીવ બચાવવા લોકો ધાબે ચડી ગયા છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. વહેલી સવારથી ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. તો મુબારક બાગ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે અનેક વાહનો તણાઇ ગયા છે. એક નજરે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણી જગ્યાએ કમરથી પણ વધુ પાણી ભરાઇ જતાં લોકો જીવ બચાવવા ધાબે ચડી ગયા છે.નવસારીમાં 12 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર સ્થિતિ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇને બીલીમોરાથી ઊંડાચને જોડતા ગરનાળામાં પાણી ફરી વળવાના કારણે લોકોની આવનજાવન પર સીધી અસર થઈ છે. તો નેશનલ હાઈવે નંબર 48ને જોડતા ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં લોકોને 20 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે.