ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીધામ ભાગોળે પડાણા, જવાહરનગર બાદ ફરી વધુ એક વખત મીઠીરોહર નજીક આવેલા પાર્કિંગ પ્લોટમાં ત્રાટકી 49.74 લાખનાં દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી લીધા હતા. જેથી સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. રવિવારે મોડી સાંજે રાજ્ય સ્તરની ટુકડીએ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પાડેલા દરોડામાં મળેલી માહિતી મુજબ મીઠીરોહર સીમમાં આવેલા મારૂતિ વેરહાઉસ ગોડાઉનોમાં પાંચમા નંબરનાં ગોડાઉનની પાર્કિંગમાં ઉભેલા ત્રણ ટ્રક પૈકી એક કન્ટેનર ટ્રેઇલરની તલાશી લેતાં તેમાં ભારતીય બનાવટની 11,544 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.SMCની ટીમે રૂા. 49,74,000ની કિંમતનો દારૂ અને રૂા. 40,00,000ની કિંમતનાં 3 વાહનો સહિત કુલ 89,74,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાથમાં ન આવેલા મેઘપર બોરીચીના ચંદન ગોપાલભાઈ ગુપ્તા, ભારતનગરના અમીત મુકેશભાઈ ચૌહાણ, ખોડીયારનગર ગાંધીધામના તૈયબ ઉર્ફે તૈયબો ઉસ્માન રાયમા, બાગેશ્રી સોસાયટી અંજારના સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા, ત્રણ ટ્રકના ચાલક અને માલિકો વિરૂદ્ધ બી-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ કાર્યવાહીને પગલે હવે સ્થાનિકના ક્યા અધિકારી અને કર્મચારીની જવાબદારી બેસાડાય છે, કોની વિકેટ જાય છે તેવા પ્રશ્નોનો ગણગણાટ પોલીસ બેડાંમાં સાંભળવા મળ્યો હતો. આ કાર્યવાહીમાં SMCના એ.વી. પટેલ અને તેમની ટીમ જોડાઈ હતી.
