અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં કરિયાણું લેવા માટે ગયેલી યુવતી સામે એક યુવકે જાહેરમાં પેન્ટ કાઢીને વિકૃતતાની હદ વટાવતા સમગ્ર મામલે પોલીસ સ્ટેશન પહોચ્યો છે. જોકે, યુવતીના ભાઇએ આ યુવકને આવી હરકતો નહીં કરવા કહીને ગાળો નહીં બોલવા માટે કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને પણ લાફો મારી દીધો હતો.
યુવતીનો આરોપ છે કે, રવિવારના દિવસે સાંજના છ વાગ્યાની આસપાસ તે તેના ઘરેથી નીકળીને નજીકમાં આવેલ કરીયાણાની દુકાનમાં કરીયાણું લેવા માટે ગઇ હતી. જોકે, જ્યારે તે કરીયાણું લઇને ઘરે જઇ રહી હતી, ત્યાં બેતાલીસની ચાલીમાં રહેતો પ્રકાશ ઉર્ફે ઘેટીયો કરીયાણાની દુકાનની બાજુમાં તેનું પેન્ટ ઢીંચણ સુધી ઉતારી ત્યાં ઉભેલો હતો અને યુવતી ત્યાંથી પસાર થતાં તે એકદમ તેની સામે ઉભો રહી ગયો હતો.
જેથી યુવતીએ તેને કહ્યું હતું કે, તું કેમ મારી સામે આમ પેન્ટ ઉતારીને ઉભો છે. તેમ કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો અને મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. યુવતીનો ભાઇ ત્યાં આવતા તેણે પણ આ યુવક ને ગાળો નહીં બોલવા માટે કહ્યું હતું. આરોપી યુવકે તેને પણ એક લાફો મારી દીધો હતો. જ્યારે આરોપીનો મિત્ર પણ ત્યાં આવીને યુવતીને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. પરંતુ આસપાસમાં લોકો એકઠા થઇ જતાં તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.