કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ માં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે આજરોજ કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા.
કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સબ ડ્રિસ્ટીક્ટ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
વાવાઝોડા પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે સર્ગભા મહિલાઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ તમામ માતાઓ કે જેમની ડિલિવરી વાવાઝોડા દરમિયાન થઈ હતી તેમની સાથે વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત, તમામ સગર્ભા માતાઓના તેમજ નવજાત શિશુઓના ખબર અંતર પૂછીને હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.
ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે માંડવી નલીયા રોડ પર આવેલા કાઠડા ખાતેના આર્ય ફાર્મની મુલાકાત લીધી હતી.
ત્યાં સ્થાનિક ખેડૂતો, કિસાન સંઘના આગેવાનો, ગામજનોને સાથે સંવાદ કરીને પાક નુકસાની વિગતો મેળવી હતી.
દાડમ અને ખારેકના પાકને નુકસાન થયું છે તે અંગે ખેડૂતોઓએ ગૃહમંત્રીશ્રીને માહિતી આપી હતી.
આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને વાવાઝોડા બાદ કચ્છની પરિસ્થિતિ વિશે જાણકારી આપી હતી.