જજની બદલીના વિરોધમાં આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાળ પર, 5 હજાર કેસોની સુનાવણી પર અસર
અમદાવાદ, 28 ઓગસ્ટ –
સુપ્રીમ કોર્ટની કોલેજિયમ બેઠકમાં દેશભરના 14 હાઇકોર્ટના જજોની બદલીની ભલામણ કરવામાં આવી છે, જેમાંથી બે જજ ગુજરાત હાઈકોર્ટના છે. કોલેજિયમએ જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં અને જસ્ટિસ સી.એમ. રોયને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવાની ભલામણ કરી છે.
જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલી સામે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશને અચોક્કસ મુદત માટે હડતાળ જાહેર કરી છે. આજે પણ હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને “વકીલ એક્તા જિંદાબાદ”ના નારા લગાવ્યા હતા.
એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિતની કમિટી આજે બપોરે 1.50 કલાકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મળી રજૂઆત કરશે કે જસ્ટિસ ભટ્ટની બદલી રોકવામાં આવે.
હડતાળને કારણે કોર્ટની કાર્યવાહી પર સીધી અસર જોવા મળી છે. ચૈતર વસાવાની જામીન અરજી સહિત આશરે 5 હજાર કેસની સુનાવણી અટવાઈ ગઈ છે. જો કે, કોર્ટના બીજા સેશનમાં કામકાજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી બોલાચાલીને લઈ તેમના પર મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ત્યારથી તેઓ જેલમાં જ છે અને તેમની જામીન અરજી પર સુનાવણી હજી સુધી અટકી રહી છે.

