મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં UCC બિલ રજૂ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક ક્રાંતિકારી સુધારાઓ થયા છે અને એ જ પરંપરાને આગળ ધપાવતા ગુજરાતમાં UCC બિલ રજૂ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીએ જણાવ્યું કે સનાતન સંસ્કૃતિએ હંમેશા એકતા અને સમરસતાનો પાઠ શીખવાડ્યો છે. “સત્ય એક છે, ધર્મ ભલે અલગ હોય, પરંતુ ન્યાય એક જ હોવો જોઈએ,” એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું.આઝાદીના સાત દાયકાઓ બાદ દેશમાં સમાન કાયદો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કહેવા મુજબ આ બિલ ગુજરાતના નાગરિકોની આકાંક્ષા અને અખંડિતતાને જોડતું મહત્વપૂર્ણ પગલું છે.લગ્ન, છૂટાછેડા અને કુટુંબ સંબંધિત બાબતોમાં આ બિલ મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. લગ્નની ફરજિયાત નોંધણી તેમજ લિવ-ઇન રિલેશનશિપની પણ નોંધણી ફરજિયાત કરવામાં આવશે. નોંધણી નહીં કરાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.બળજબરીથી લગ્ન કરવાના કેસમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ રાખવામાં આવી છે. ઉપરાંત, લગ્ન અને છૂટાછેડાની નોંધણી 7 દિવસમાં નહીં કરાવાય તો ₹10,000 સુધીનો દંડ થશે. કોર્ટ બહાર કરવામાં આવેલા છૂટાછેડા અમાન્ય ગણાશે અને આવા કેસમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. લિવ-ઇન રિલેશનશિપને કાનૂની સુરક્ષા આપવા કલમ 384 હેઠળ તેની નોંધણી ફરજિયાત બનાવાઈ છે.મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, અલગ અલગ ધર્મ અથવા સમુદાય માટે અલગ નિયમો રહી શકે નહીં. બંધારણ જે રીતે દરેકને સમાન રીતે લાગુ પડે છે, એ જ રીતે આ કાયદો પણ સૌ માટે લાગુ પડશે.તેમણે ઉમેર્યું કે કેટલીક પરંપરાઓ, જેમ કે લઘુમતી સમાજમાં કાકાની દીકરી સાથે લગ્ન કરવાની પ્રથા, સમાજની પરંપરા મુજબ ચાલુ રહી શકે છે અને તેમાં કાયદો અવરોધ બનશે નહીં. નારી સન્માનને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા આ બિલ હેઠળ ગુજરાતની દરેક દીકરીને પિતાની સંપત્તિમાં દીકરા જેટલો હક મળશે. સાથે જ “નિકાહ હલાલ” જેવી અમાનવીય પ્રથાઓનો અંત લાવવા પણ આ બિલ મહત્વપૂર્ણ છે.આદિવાસી સમાજ અંગે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી પર મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈપણ રીતે આદિવાસી સમાજને નુકસાન પહોંચાડનારું નથી.આ રીતે UCC બિલને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો વધી રહ્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા અને રાજકીય ટકરાવ જોવા મળી શકે છે.
67

