ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જમીનને નોન-એગ્રીકલ્ચર (એનએ)માં ફેરવવાથી સરકારને છેલ્લા બે વર્ષમાં 193 કરોડ રૂપિયા કરતાં વધુ આવક થઈ હોવાનું સામે આવ્યું છે. આ માહિતી કોંગ્રેસ ના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર ના સવાલના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ, અમદાવાદ જિલ્લામાંથી 165 કરોડ રૂપિયા કરતાં વધુ અને ગાંધીનગર જિલ્લામાંથી 27 કરોડ રૂપિયા કરતાં વધુ આવક સરકારને પ્રાપ્ત થઈ છે.વિગતો મુજબ અમદાવાદ જિલ્લોમાં વર્ષ 2024 દરમિયાન 2 કરોડ 99 લાખ 87 હજાર 309 ચોરસ મીટર અને વર્ષ 2025 દરમિયાન 5 કરોડ 11 લાખ 27 હજાર 991 ચોરસ મીટર જમીન એનએ કરવામાં આવી છે.જ્યારે ગાંધીનગર જિલ્લો માં વર્ષ 2024 દરમિયાન 96 લાખ 98 હજાર 459 ચોરસ મીટર અને વર્ષ 2025 દરમિયાન 1 કરોડ 13 લાખ 45 હજાર 280 ચોરસ મીટર જમીન એનએ થઈ છે.પરંતુ આવક સાથે જ ખેતીલાયક જમીન ઘટવાનો મુદ્દો પણ ચિંતાજનક છે. અમદાવાદ જિલ્લામાં 8 કરોડ 11 લાખ 15 હજાર 200 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઓછી થઈ છે, જ્યારે ગાંધીનગર જિલ્લામાં 2 કરોડ 10 લાખ 43 હજાર 739 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઘટી છે.બંને જિલ્લાઓ મળી કુલ 10 કરોડ 21 લાખ 58 હજાર 939 ચોરસ મીટર ખેતીલાયક જમીન ઘટી છે જે કૃષિ અને ભવિષ્યના ખાદ્ય સુરક્ષા દ્રષ્ટિએ ગંભીર મુદ્દો માનવામાં આવી રહ્યો છે.એક તરફ સરકારને એનએથી કરોડોની આવક થઈ રહી છે, તો બીજી તરફ ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. વિકાસ અને કૃષિ વચ્ચેનું સંતુલન કેવી રીતે જળવાશે એ હવે નીતિનિર્માતાઓ માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે.
85

