મુંબઈ બાદ હવે આમિર ખાનનો રૂખ છે કચ્છની રાજધાની ભુજ તરફ. 1 ઓગસ્ટના રોજ આમિર ખાન ભુજની મુલાકાત લેશે, જ્યાં તેઓ પોતાની નવી ફિલ્મ સીતારે જમીન પર ના પ્રમોશન માટે લોકોને સીધા મળશે અને ફિલ્મના સંદેશને લોકો સુધી પહોંચાડશે.આમિર ખાનની આ ફિલ્મ પહેલા થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ત્યારબાદ હવે માત્ર યૂટ્યૂબના મૂવી-ઓન-ડિમાન્ડ સેક્શનમાં ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર નથી, એટલે કે દુનિયાભરનો કોઈ પણ દર્શક માત્ર YouTube પર જ જોઈ શકશે. ભારતમાં આ ફિલ્મ માત્ર ₹100માં ઉપલબ્ધ છે, જ્યારે અમેરિકા, યુકે, કેનેડા, ઑસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપુર સહિત 38 દેશોમાં લોકલ ભાવ મુજબ રજૂ કરવામાં આવી છે.આમિર ખાનના જણાવ્યા મુજબ, આ અભિયાનનો હેતુ એ છે કે ફિલ્મો એવા લોકો સુધી પણ પહોંચે જે કોઈ કારણસર થિયેટરમાં જઈ શકતા નથી. “સિનેમા દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ – જ્યાં તે રહે, જે ઉપકરણ હોય તે પર જોઈ શકે – એ જ સાચો ડિજીટલ ઈન્કલૂઝન છે,” આમિરે જણાવ્યું.સીતારે જમીન પર ફિલ્મમાં આમિર ખાન અને જેનેલિયા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે, સાથે જ તેમાં 10 એવા કલાકારોને પણ સ્થાન અપાયું છે જેમને ઇન્ટેલેકચ્યુઅલ ડિસએબિલિટી છે. ફિલ્મએ અત્યાર સુધીમાં ₹250 કરોડથી વધુનો બોક્સ ઓફિસ કલેક્શન કર્યો છે.આ ફિલ્મનું નિર્દેશન આર.એસ. પ્રસન્નાએ કર્યું છે અને લેખન દિવ્ય નિધી શર્માનું છે.
હવે આમિર ખાન ‘લાહોર 1947’ અને ‘એક દિવસ’ જેવી આગામી મોટી ફિલ્મોના નિર્માણમાં વ્યસ્ત છે, જેમાં સન્ની દેઓલ, પ્રીતી ઝિંટા, જુનૈદ ખાન અને સાઈ પલ્લવી જેવા કલાકારો જોવા મળશે. પણ હાલ તેમનું સંપૂર્ણ ફોકસ ‘સીતારે જમીન પર’ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે.

