પશ્ચિમ કચ્છ જિલ્લામાં દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સતત કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સિંધોડી ગામ નજીક દરિયાકાંઠેથી બિનવારસુ ડ્રોનના પાંખિયાનો ડેબ્રિસ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સજાગ બની છે.
માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા (સરહદી રેન્જ, ભુજ)ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ મુંડા ના નિર્દેશ મુજબ દરિયાકાંઠે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ તેમજ મોટરસાયકલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હવામાન અને દરિયાઈ પ્રવાહોને કારણે તણાઈ આવતાં શંકાસ્પદ પદાર્થોને શોધવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
આ સંદર્ભમાં પિંગલેશ્વર બીચથી સિંધોડી ગામ તરફ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ, એલ.આઈ.બી. અને સ્ટેટ આઈબીની સંયુક્ત ટીમને અંદાજે ૧૦ ફૂટ લાંબી અને ૩ ફૂટ પહોળી ડ્રોનના પાંખિયાનો ભાગ મળ્યો હતો. આ ડેબ્રિસ બિનવારસુ હાલતમાં મળતાં તેને કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મળેલ ડેબ્રિસને આગળની તપાસ માટે સંબંધિત રક્ષા એજન્સીઓને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરીમાં પિંગલેશ્વર મેરિન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.જે. ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ લાખીયારજી, બી.એસ.ઓ.જી., એલ.આઈ.બી. અને સ્ટેટ આઈબીના અધિકારીઓ તથા સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સતત પેટ્રોલિંગ અને સતર્ક કામગીરી કરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.


