ગત દિવસોમાં ભરૂચમાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે તંત્ર દ્વારા વધુ બ્રિજોની તપાસ શરૂ કરવામાં આવી હતી. જે બાદ સતર્ક તંત્રે જંબુસરને જોડતા ઢાઢર બ્રિજને હાલ માટે ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો છે. પરંતુ આ નિર્ણયના પગલે સમગ્ર જંબુસરના ઈંટાના ભઠ્ઠાઓ તથા મીઠાના અગરો પર સીધી અસર પડી છે.ઇંટો વહન કરતા ટ્રકો હવે ઢાઢર બ્રિજ બંધ હોવાથી 120 કિમીનો લાંબો ફેરો પાડીને ભરૂચ, અંકલેશ્વર, વિલાયત, વાગરા અને પાનોલી પહોંચે છે. વાહન દીઠ ડીઝલ અને ટોલ મળીને દરરોજ અંદાજે ₹4000 જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે.જંબુસર બ્રિક્સ એસોસિયેશનના પ્રમુખ વલ્લભ રોહિતના જણાવ્યા મુજબ દરરોજ લગભગ 200 વાહનો ઇંટાની ડિલિવરી કરે છે. હાલની સ્થિતિને લીધે ભઠ્ઠાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે અને આશરે 3000 લોકોની રોજગારી પર સંકટ ઊભું થયું છે.મીઠા ઉદ્યોગ મંડળના પ્રમુખ સાજીદ પટેલે જણાવ્યું કે, “જંબુસરના મીઠાના અગરોમાંથી મીઠું વહન થતું હતું. બ્રિજ બંધ થતા આ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે. મોટાભાગના વેપારીઓ હાલ કંચાશમાં મૂકાઈ ગયા છે.”બ્રિક્સ એસોસિયેશન તથા મીઠા ઉદ્યોગના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને મળીને આવેદનપત્ર આપ્યું છે. તેમાં માંગ કરવામાં આવી છે કે, બ્રિજ પરથી સલામતી સાથે નિયંત્રણમાં રાખીને ઓછામાં ઓછી એક એક વાહન પસાર થવા દેવામાં આવે.સ્થાનિક ઉદ્યોગકારોનું કહેવું છે કે, સ્પર્ધાત્મક યુગમાં આવો ખર્ચ સતત સહન કરી શકાય તેમ નથી. જો તાકીદે અસરકારક નિર્ણય નહીં લેવાય, તો અનેક ભઠ્ઠાઓ બંધ થવાની સંભાવના છે અને મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થવાની ભીતિ છે.
27
previous post

