અંબાજીનો રૂ.1632 કરોડમાં થશે વિકાસ

by JAYENDRA UPADHYAY
0 comments

અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે, તો રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા શ્રી અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે કે જેના હેઠળ આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશેગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર પરિસર માટે એક કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે કે જે પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને 50 વર્ષીય વિઝન સાથે સંરેખિત છે. આ માસ્ટર પ્લાન હાલની સુવિધાઓને રિડેવલપ તથા યાત્રાળુના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.અંબાજી નગરની આધ્યાત્મિક મહત્તા અને સુંદરતાને વધુ ઊંચાઈ આપનાર અને વૈશ્વિક ધોરણના આધ્યાત્મિક વિકાસ માટે નવો માળખાકીય માપદંડ સ્થાપિત કરનાર આ માસ્ટર પ્લાન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1632 કરોડ છે કે જે બે તબક્કાઓમાં અમલમાં મૂકાશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટુંક સમયમાં શરૂ થઈ જશે કે જેના હેઠળ મુખ્ય આકર્ષણ છે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે.આ ઉપરાંત; તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.માસ્ટર પ્લાન હેઠળ યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓ વધારવામાં આવશે.

You may also like

Leave a Comment