સાબરકાંઠા જિલ્લાના બે તાલુકામાં શ્વાન કરડવાના 302 કેસ નોંધાયા છે. સાબરકાંઠાના ઈડર તાલુકામાં રખડતા શ્વાનોના ત્રાસની સ્થિતિ ગંભીર બનતી જાય છે. એક જ દિવસમાં ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાન કરડવાના 14 જેટલા કેસ નોંધાયા છે. કેટલાક લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. આવી જ એક ઘટનામાં બે બાળકો પણ ઘાયલ થયા છે. ચિંતાજનક બાબત એ છે કે ચાર દર્દીઓને ગંભીર ઇજા થતાં હિંમતનગર રિફર કરવામાં આવ્યા છે. ઇડર સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલનાં આર.એમ.ઓ ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા અનુસાર, દર્દીઓને તાત્કાલિક એ.આર.વી અને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને શ્વાન કરડ્યા બાદ પ્રથમ 24 કલાકમાં સારવાર લેવી ફરજિયાત છે. જોકે આ બાબતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પણ શ્વાન કરડવાના કેસોથી ભરાઈ ગઈ છે. છેલ્લા 28 દિવસમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવી સારવાર માટે આવેલા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. આજના દિવસે પણ ઈડરથી રિફર કરાયેલા ગંભીર દર્દીઓને અહીં સારવાર આપવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનો વધુ ઢીલા પડે છે, જેના કારણે તેમને ચીડચીડા બની લોકો પર હુમલો કરવાની શક્યતા વધી જાય છે.આંકડા પર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં માત્ર છેલ્લા એક મહિને 186 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાયા છે અને ઈડર-હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ મળીને 310 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી છે. બાળકોથી લઈ વૃદ્ધો સુધી રખડતા શ્વાનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક તંત્ર રખડતા શ્વાનોને કાબૂમાં લેવા નિષ્ફળ થયું છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. હવે તાત્કાલિક રીતે તંત્ર દ્વારા હડકાયા શ્વાનોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવા પગલાં ભરવાની ભારે માંગ ઊઠી છે.સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને સ્વાન કરડે તો તેને અલગ-અલગ દિવસે ચાર જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે જેમાં શ્વાન કરડે હોય તે દિવસ પ્રથમ ઇન્જેક્શન અપાય છે ત્યારબાદ ત્રીજા દિવસે ઇન્જેક્શન અપાય છે. તેમજ છેલ્લું ઇન્જેક્શન 28 માં દિવસે આપવાનું હોય છે. જો કે આ તમામ સારવાર વિના મૂલ્ય ફ્રીમાં અપાતી હોય છે સાથોસાથ શ્વાન થકી વધારે ઇજા પહોંચાડવામાં આવી હોય તો જે તે દર્દીને જરૂરિયાત મુજબ ચામડીના ટાંકા લઈ તેને વધુ સારવાર પણ અપાતી હોય છે.જોકે એક તરફ દિન પ્રતિદિન સાબરકાંઠા જિલ્લામાં શ્વાન કરડવાના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ તંત્ર દ્વારા હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ વિશેષ સારવાર આપવામાં આવે તો લોકોને પડતી સમસ્યાઓમાંથી છુટકારો થઈ શકે તેમ છે.
25

