સાબરકાંઠા: સાબર ડેરી મામલે 11 ઓગસ્ટે યોજાશે સાધારણ સભા

by JAYENDRA UPADHYAY
0 comments

સાબર ડેરી મામલે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતી 11 ઓગસ્ટે સાબર ડેરી દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં દૂધના ભાવફેર સાથે અનેક મહત્વપૂર્ણ ઠરાવો રજૂ થવાની શકયતા છે. મહત્વની વાત એ છે કે સાબર ડેરીએ 995 રૂપિયાનું ભાવ ફેર જાહેર કરી દીધું છે અને આ બેઠક બાદ પશુપાલકોને વધારાનો રકમ ચુકવવામાં આવશે. ગુજરાતના અન્ય દૂધ સંઘોની સભાઓ હજી બાકી છે ત્યારે સૌ પ્રથમ વાર સાબર ડેરી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબર ડેરી છેલ્લા થોડા સમયથી દૂધના ભાવ મામલે રાજ્યના તમામ દૂધ સંઘોમાં નંબર વન રહી છે. હાલના દૂધના ભાવ પણ ગુજરાતના અન્ય સંઘો કરતા વધુ મળતા થયા છે. ગયા કેટલાક દિવસોમાં ભાવવધારા મુદ્દે સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આંદોલન અને વિરોધની લાગણીઓ જોવાઈ હતી, પરંતુ હવે સ્થિતિ શમી ગઈ છે. પશુપાલકો હવે આશાવાદી નજરે 11 ઓગસ્ટની બેઠક તરફ જોઈ રહ્યાં છે અને આશા રાખી રહ્યાં છે કે તેમની મહેનતના વળતર રૂપે વધારાની રકમ ટૂંક સમયમાં તેમના ખાતામાં જમા થશે. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકોએ 14 મી જુલાઈએ સાબર ડેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. જોકે અચાનક થયેલા પથ્થર મારા બાદ ટીયર ગેસના સેલ છોડી સમગ્ર પરિસ્થિતિ કાબુમાં લેવાઈ હતી. જે દરમિયાન 47 જેટલા પશુપાલકોની અટકાયત થઈ હતી. સાબર ડેરીના આગેવાનોની બેઠક બાદ ચેરમેન શામળ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકો માટે આજે જે 3 મુદ્દા હતા તેના પર ચર્ચા કરવામાં આવી. સાબર ડેરી વર્ષે આખરે કેટલો ભાવ આપશે. ચાલુ વર્ષે દરેકની માગણી પ્રમાણે 960 રૂપિયા ભાવ ચૂકવ્યો હતો અને નિયામક મંડળે જે 995 રૂપિયાનો ભાવ નક્કી કર્યો હતો એ આજની બેઠકમાં ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને બાકીના 35 રૂપિયા AGMની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનું આજે નિયામક મંડળે કર્યું છે. જે 35 રૂપિયા બાકી છે એ અમે વહેલી તકે ચૂકવવાનો પ્રયાસ કરીશું.સાબરકાંઠામાં સાબરડેરીની બહાર પશુપાલકોના આંદોલન દરમિયાન ઈડરના ઝીંઝવા ગામના અશોકભાઈ પટેલનું અચાનત મોત થયું હતું. આંદોલન બાદ રસ્તામાં તેમની તબિયત લથડી હતી, આથી તેમને ઈડરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. 45 વર્ષના અશોકભાઈના આ રીતે અવસાન થવાથી તેમના પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. આરોપ છે કે પશુપાલકોના ટોળાને વિખેરવા કરાયેલી કાર્યવાહીમાં ગુંગળામણ થતા તેમનું મોત નિપજ્યું હતું.

You may also like

Leave a Comment