અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની હડતાલના કારણે મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને અમદાવાદમાં રેલ્વે સ્ટેશન પર આવેલા પેસેન્જરની હાલત ખરાબ થઈ. પેસેન્જર બે-બે કલાક સુધી રિક્ષાની રાહ જોવા છતાં રીક્ષા નથી મળી રહી.મુંબઈથી વંદે ભારત ટ્રેનમાં આવેલા હેમંતભાઈએ જણાવ્યું હતું કે, હું આજે સવારે વંદે ભારત ટ્રેનથી અમદાવાદ પહોંચ્યો ત્યારે મને ખબર પડે કે ઓટો રિક્ષાની હડતાલ છે. આ હડતાલના કારણે અમને બહુ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણા પેસેજરો એમને એમ ઊભા છે. રિક્ષાની સાથે ઉબેર, રેપિડો બીજા કોઈ સાધન મળતા નથી. હવે અમે કેવી રીતે જઈશું એ મોટો પ્રશ્ન થઈ ગયો છે.પેસેન્જર દક્ષાબેન ગાંધીએ જણાવ્યું હતું કે, હું આજે સુરતથી અમદાવાદ ટ્રેનમાં આવી. મને રિક્ષા નથી મળી, મને ખબર પણ નથી કે આજે હડતાલ છે. ત્યારે હું ઓલા-ઉબેર માટે ઓનલાઇન બુકિંગ કરાવ્યું પરંતુ એ પણ નથી આવી અને ઘણીવાર કેન્સલ પણ થઈ ગઈ. ઘણા બધા લોકો ઉભા છે અને ઘરે જવા માટે સાધનની રાહ જોઈ રહ્યા છે.પેસેન્જર અંકિતાબેને જણાવ્યું હતું કે, હું સુરતથી આવી છું. અડધી કલાકથી કેબ બુકિંગ કરી રહી છું. કારણ કે અહીંયા રિક્ષા નથી મળતી. હવે અમે કઈ રીતે ઘર પહોંચીશું? કે કયા સાધનથી જઈશું? એના માટે કઈ વ્યવસ્થા કરવી જોઈએ. પેસેન્જર ભાર્ગવ દેસાઈએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન 11:00 વાગે અમદાવાદ રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી, ત્યારથી અમે અહીંયા ઊભા છીએ. મુંબઈથી અહીંયા આવ્યા રિક્ષા મળતી નથી. મારે એક મિટિંગમાં જવાનું છે પણ આ રિક્ષા ન મળવાના કારણે બહુ જ લેટ થઈ રહ્યું છે. અને ઘણી જ મુશ્કેલીઓ પડી છે.પાલડી ચાર રસ્તા પર પેસેન્જર સાથે જતી રિક્ષાને રિક્ષા ચાલકોએ થોભાવી હતી અને પેસેન્જરને નીચે ઉતાર્યા હતા. પાલડીમાં એક પેસેન્જરે કહ્યું કે, અમે રામદેવ નગરથી જગન્નાથ મંદિર જઈ રહ્યા હતા. હવે તેઓ અમને રસ્તાની વચ્ચે ઉતારી દેવાની વાત કરી રહ્યા છે. જો અમદાવાદમાં હડતાલ છે તો પછી રિક્ષા સંપૂર્ણપણે બંધ હોવી જોઈએ. આ રીતે મુસાફરોને બેસાડીને અડધા રસ્તે ઉતારી દેવા તે યોગ્ય નથી.અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે ઓટો રિક્ષા ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા રિક્ષા ચાલકો સામે સઘન કાર્યવાહી કરી હતી. આ ઝુંબેશ દરમિયાન 1716 કેસ નોંધાયા હતા. પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકોએ હડતાલ પર જવાની ધમકી આપી હતી. અને ટ્રાફિક પોલીસે 98 રિક્ષા જપ્ત કરી હતી. અમદાવાદ અલગ અલગ રિક્ષા ચાલક યુનિયનો દ્વારા હડતાનું એલાન કરવામાં આવ્યું અને આજે 70% હડતાલનો માહોલ જોવા મળ્યો. અમદાવાદના રેલવે સ્ટેશન પર બીજા રાજ્યથી આવેલા મુસાફરો રઝડતા જોવા મળ્યા. આ લોકોને રિક્ષા નથી મળી.અમદાવાદ રેલવે સ્ટેશને ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયનના પ્રમુખ મોહસીન ખાન પઠાણે જણાવ્યું હતું કે, બે દિવસથી ઓટો રિક્ષા ડ્રાઇવરોને અમદાવાદ પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી. એના કારણે આજે વિવિધ યુનિયન દ્વારા અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અને હડતાલમાં અમને મોટી સફળતા મળી છે. અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ રિક્ષા ડ્રાઇવરો હડતાલ પર ઉતર્યા છે. આમ તો અમદાવાદ રેલવે સ્ટેશન પર પાંચ સુધી વધારે ઓટો રીક્ષા રહે છે. પરંતુ હડતાલના કારણે 70% રિક્ષાઓ બંધ છે. અને જે ચાલુ રિક્ષા છે એ કોઈ ઇમર્જન્સી પેશન્ટને લઈ જવા માટે અને જેને હડતાલમાં સમર્થન નથી આપ્યું એ લોકોએ ચાલુ રાખી છે.હડતાલ પર ઉતરેલા ઓટોરિક્ષા ડ્રાઇવર એજાઝ ખાને જણાવ્યું હતું કે, હું કાલુપુર રેલવે સ્ટેશન પર ઓટોરિક્ષા ચલાવુ છું. છ વર્ષથી અહીંયા ઓટોરિક્ષા ચલાવુ છું. પરંતુ આજે અમે હડતાલ પર છીએ કારણકે પોલીસ ખોટી રીતે હેરાન કરે છે અને ગાડીઓ જમા કરી લે છે. નિર્દોષ છે જેની પાસે તમામ ડોક્યુમેન્ટ છે એને કેમ પરેશાન કરવામાં આવી રહ્યા છે? જો અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર ઉતરીશું.આ અંગે રિક્ષા ચાલક હર્ષદભાઈએ કહ્યું કે, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ અમદાવાદમાં 25-25 વર્ષ જૂની ગાડીઓ ફરે છે તેની સામે કોઈ પગલાં લેવાતા નથી. તથા રોંગ સાઈડમાં જઈ રહેલી ગાડીઓ સામે પણ પોલીસ પ્રશાસન કોઈ પગલાં લેતી નથી માત્ર રીક્ષા ચાલકોને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.ગુજરાત રિક્ષાચાલક રોજગાર બચાવો આંદોલનના કન્વીનર રાજેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, ગુજરાત સરકારને અમે આવેદનપત્ર આપ્યું હતું કે જેટલી પણ ઓલા ઉબેર જેવી ઓનલાઇન એપ્લિકેશન છે તેમાં રીક્ષા ચાલકોનું શોષણ થઇ રહ્યું છે. તથા નોન કોમર્શિયલ ટુ વ્હીલર જે ચાલી રહ્યા છે અમદાવાદમાં તેને પકડવા માટે પણ કોઈ તજવીત હાથ ધરવામાં આવી નથી. જ્યારે વિજય સરસાવાએ કહ્યું કે, અમદાવાદના અઢી લાખ રિક્ષા ચાલકો માંથી સવા બે લાખ જેટલા રીક્ષા ચાલકો આજે હડતાલમાં જોડાયા છે. પેલા બે ત્રણ દિવસમાં અમદાવાદમાં આશરે 3000 થી 4,000 જેટલી રિક્ષાઓ ડીટેઇન કરવામાં આવી છે. જ્યારે કોઈ જાહેરનામું બહાર પડે છે ત્યારે તે તમામ વાહનો માટે સરખું હોવું જોઈએ.
27

