આદર્શ મહાવિદ્યાલય તરીકે ગુજરાતની પાંચ કોલેજોમાંથી બે તો માત્ર જુનાગઢની જ

by JAYENDRA UPADHYAY
0 comments
ગુજરાતની ઐતિહાસિક અને હેરિટેજ વારસો ધરાવતી સવાસો વર્ષ જૂની વિદ્યાપીઠ એટલે બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “આદર્શ મહાવિદ્યાલય” તરીકે માન્યતા આપવામાં આવી છે. આદર્શ મહાવિદ્યાલયની શ્રેણીમાં સ્થાન મળતા હવે આ કોલેજોને શિક્ષણ, સંશોધન અને આધુનિક શૈક્ષણિક માળખા માટે વિવિધ પ્રકારના લાભ અને સવલતો માટે સરકાર દ્વારા રૂ.3 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.સોરઠના શિક્ષણ જગતમાં 1901થી કાર્યરત આ બહાઉદ્દીન કોલેજના કેમ્પસમાં આવેલી બહાઉદ્દીન આર્ટ્સ અને બહાઉદ્દીન સાયન્સ એવી બે કોલેજોને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા “આદર્શ મહાવિદ્યાલય” તરીકે માન્યતા આપવામાં આવી છે. આ ગૌરવવંતી ક્ષણ દરમિયાન બંને કોલેજોને 1.5-1.5 કરોડ અમે કુલ 3 કરોડની ગ્રાન્ટ મળી છે.
નોંધનીય છે કે, હેરિટેજ કોલેજ તરીકે બંને કોલેજને રીનોવેશન માટે 3-3 કરોડની ગ્રાન્ટ તાજેતરમાં સરકારે આપેલી હતી. જેનું કાર્ય હાલમાં ચાલુ છે. આ ઉપરાંત સરકાર દ્વારા બંને કોલેજની હોસ્ટેલોનું પણ નવું બાંધકામ અને સમારકામ ચાલુ છે. જે માટે પણ સરકાર દ્રારા ગ્રાન્ટ ફાળવેલી છે.આદર્શ મહાવિદ્યાલય તરીકે મળેલી 3 કરોડની ગ્રાન્ટમાંથી હવે બહાઉદ્દીન કેમ્પસમાં આવલી આર્ટ્સ અને સાયન્સ એમ બંને કોલેજમાં મોડર્ન ડિજિટલ લાઇબ્રેરી, ક્લાસ સ્માર્ટ ક્લાસ, અતિ આધુનિક સેમિનાર હોલ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે ઇન્ક્યુબેશન સેન્ટર વગેરે જેવી સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. જેથી આ નિર્ણય સોરઠના શિક્ષણ જગતની ગૌરવરૂપ ક્ષણ સાબિત થશે.
ગર્વની વાત એ પણ છે કે, બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ GSIRF માં 4 સ્ટાર પ્રાપ્ત થયેલી છે અને NIRFમાં 77માં ક્રમનું ઓલ ઇન્ડિયા રેન્કિંગ ધરાવતી એકમાત્ર સરકારી કોલેજ કે જ્યાં વિદ્યાના ધબકાર સવાસો વર્ષથી ગુંજે છે. જે કોલેજના વિદ્યાર્થીઓ IIT JAMમાં પણ ભારત કક્ષાએ ઝળકેલા છે. રીલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રીમાં પણ પ્લેસમેન્ટમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ પસંદગી પામે છે.
ઉલ્લેખનિય છે કે, શિક્ષણ વિભાગે રાજ્યની 136 સરકારી કોલેજોમાંથી ગુજરાતની પાંચ કોલેજને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી થઈ છે અને 5માંથી 2 કોલેજ તો માત્ર જુનાગઢની છે બહાઉદ્દીન આર્ટ્સ અને બહાઉદ્દીન સાયન્સ કોલેજ. આવી કોલેજની મુલાકાત લઈ વર્તમાન ઉચ્ચ શિક્ષણ કમિશનર અને પ્રભારી સચિવ દિલીપ રાણાએ આનંદ વ્યક્ત કર્યો હતો, સાથે જ બંને કોલેજો હંમેશા અગ્રેસર બની રહેશે તેવી હૈયા ધારણા બન્ને કોલેજના આચાર્યોને આપી હતી.

You may also like

Leave a Comment