પ્રાથમિક શાળામાં 6 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

by JAYENDRA UPADHYAY
0 comments

સુરત જિલ્લામાં દીપડાઓ બાદ હવે શ્વાનનો આંતક સામે આવી રહ્યો છે. શ્વાનના હુમલાના કારણે વધુ એક માસૂમને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામ ખાતે બની હતી. કોસાડી ગામે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા સતીશ વસાવાની 6 વર્ષની દીકરી શિવાગી વસાવા જે બાળ વાટિકામાં અભ્યાસ કરતી હતી. શિવાંગી નિત્યક્રમ મુજબ ગામની પ્રાથમિક શાળામાં ગઈ હતી અને બપોરના સમયે શૌચાલય જતા જ અચાનક ત્રણ થી ચાર ખૂંખાર શ્વાન આવી ગયા હતા અને શિવાંગીને ઘેરી લીધી હતી.શિવાંગીની બૂમો સાંભળી શાળા નજીક પસાર થઈ રહેલ યુવક જોઈ જતા તે તુરંત મદદે દોડી ગયો હતો અને શ્વાનને દૂર કરી શિવાંગીને શાળાના સ્ટાફ અને ગ્રામજનોની મદદથી નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લઈ ગયા હતા, જ્યાં વધુ સારવારની જરુર પડતા સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શિવાંગીનું મોત નિપજ્યું હતું. શ્વાનના હુમલાથી શિવાંગીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને વાલીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.શ્વાનના હુમલાની ઘટનામાં શ્રમજીવી પરિવારની દીકરાનું મોત થતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ છે. પરિવાર શોકમાં ડૂબી ગયો છે. સરકાર ઝડપથી આર્થિક મદદ કરે તેવી સ્થાનિક આગેવાનો માંગ કરી રહ્યા છે. સાથે શ્વાનના હુમલાના કારણે અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય તે માટે તંત્ર રખડતા કૂતરાઓનું ખસીકરણ કરે સાથે જ ગામની પ્રાથમિક શાળાના ગેટ પર વોચમેન મૂકાય તેવી માંગ થઈ રહી છે.

You may also like

Leave a Comment