ખરાબ રોડ-રસ્તાની ફરીયાદ હવે બસ એક ક્લિકમાં પહોંચાડી શકો છો સરકાર સુધી : ગુજરાત સરકારે વિકસાવી ખાસ એપ્લિકેશન

by JAYENDRA UPADHYAY
0 comments

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની ઋતુમાં વરસાદના પરિણામે અસરગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામ માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને કારણે વિવિધ તાલુકાઓમાં માર્ગો પર અસર પહોંચી હતી. જેમાં માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે રોડ રસ્તાની ખરાબ હાલત અથવા વર્તમાન પરિસ્થિતિ અંગે વિભાગ સુધી સામાન્ય જનતા કેવી રીતે અવાજ પહોંચાડી શકે? તમને પણ આ પ્રશ્ન થાય છે? તો ચાલો જાણીએ તેના જવાબ વિશે……
શું તમારા વિસ્તારના રસ્તાઓ ખરાબ છે? જો હા, તો હવે ફરિયાદ માટે તમારે કોઈ ઓફિસ જવું નહીં પડે. ઘરે બેઠાં જ આંગળીના ટેરવે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ‘GujMarg’ એપ્લિકેશનની મદદથી ફરિયાદ નોંધાવી શકો છો. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના માર્ગોને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજમાર્ગ એપ્લિકેશન’ કાર્યરત છે.
‘ગુજમાર્ગ’ (gujMARG)એપ્લિકેશન ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સ્થિતિ, પુલ વગેરે સંબંધિત સુવિધાઓની ફરિયાદો નોંધાવવા માટે વિકસાવવામાં આવેલી એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા નાગરિકો રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ વગેરે જેવી સમસ્યાઓની જાણ સંબંધિત અધિકારીઓને કરી શકે છે, જેથી આ સમસ્યાઓનો ઉકેલ સત્વરે લાવી શકાય.

ગુજ માર્ગ એપ્લિકેશન (Guj Marg Application)નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને થયેલું નુકસાન વગેરે જેવી સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે. આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત નોંધાવેલ ફરિયાદની સ્થિતિ (કરંટ સ્ટેટસ) શું છે, તે પણ નગરજનો આ એપના માધ્યમથી જાણી શકે છે.

ગુજમાર્ગ એપ્લિકેશનનો મુખ્ય હેતુ

ગુજમાર્ગ એપ્લિકેશનનો મુખ્ય હેતુ નાગરીકોનો અવાજ બની ગુજરાતના માર્ગો પરની સમસ્યાઓને ઝડપથી તંત્ર સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાનો છે. ઉપરાંત નાગરિકોને માર્ગ સલામતી માટે આ એપ્લિકેશન થકી સરકારને વાસ્તવિક ડેટા મળે છે, જે તેમને વધુ સારી માર્ગ નીતિઓ ઘડવામાં અને તાત્કાલિક પગલાં લેવામાં મદદ કરે છે, જેથી માર્ગ અકસ્માતો ઘટાડી શકાય અને ટ્રાફિક પ્રવાહ સુધારી શકાય.
જાણો, એપ્લિકેશનની મુખ્ય સુવિધાઓ વિશે
આ એપ્લિકેશન માર્ગ વપરાશકર્તાઓ અને માર્ગ અને મકાન વિભાગ બંને માટે અત્યંત ઉપયોગી છે. આ એપ્લિકેશનમાં ફરિયાદ નોંધણીની પ્રક્રિયા અત્યંત સરળ અને તબક્કાવાર બનાવવામાં આવી છે, જે વપરાશકર્તાને સરળતાથી ફરિયાદ નોંધાવવામાં મદદ કરે છે. વપરાશકર્તાએ સૌ પ્રથમ ફરિયાદનો પ્રકાર પસંદ કરવાનો રહે છે. સમસ્યા દર્શાવતો ફોટો લેવાની સુવિધા એપમાં છે, જે સ્થળની ચોક્કસ માહિતી પૂરી પાડે છે. તદુપરાંત સમસ્યાનું વિગતવાર વર્ણન અને અન્ય જરૂરી માહિતી ઉમેરી શકાય છે.એપ્લિકેશન થકી માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓની જાણ વિગતવાર કરી શકાય છે.
જાણો, એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો ?
ગુજમાર્ગ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે.
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, વપરાશકર્તાઓએ મોબાઈલ નંબર, ઇમેલ એડ્રેસ એડ કરી સરળ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. એકવાર નોંધણી થઈ જાય પછી, તેઓ ઉપર જણાવેલ તમામ સુવિધાઓનો લાભ લઈ શકે છે.

ફરિયાદ નોંધાવવા માટે, વપરાશકર્તાએ સમસ્યાનો પ્રકાર પસંદ કરી, સ્થળનો ફોટો અપલોડ કરવાનો રહે છે ત્યારબાદ સમસ્યા વિશે વિગતવાર વર્ણન કરવાનું રહે છે. આ માહિતી સીધી જ સંબંધિત સરકારી વિભાગો સુધી પહોંચશે.
વપરાશકર્તા તેના દ્વારા કરવામાં આવેલી જુદીજુદી ફરિયાદના સ્ટેટસ પણ જાણી શકશે. જેમકે, વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પ્રગતિ હેઠળ (Inprogress), પૂર્ણ (Completed) કે નકારી (Rejected) છે તે સરળતાથી જાણી શકાય છે. નોટિફિકેશનના માધ્યમથી વપરાશકર્તાને ફરિયાદના સ્ટેટસની જાણ થતી રહે છે.
તો ચાલો હવે રાહ કોની જુઓ છો? તમે પણ આજેજ ઈન્સટોલ કરો ગુજમાર્ગ એપ અને તમારા વિસ્તારના રોડ રસ્તાને લગતા પ્રશ્નો સીધાજ વિભાગ સુધી જાતે મોકલો અને સરકારને મદદરૂપ બનો.

You may also like

Leave a Comment