સ્થાપનાના 21 વરસ બાદ કચ્છ યુનિવર્સિટી નેક ની માન્યતા 

by JAYENDRA UPADHYAY
0 comments

વર્ષ 2018 થી 2023 દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યોના મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા સી-ગ્રેડ સાથે માન્યતા મળી છે.

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના 2004માં કરવામાં આવી હતી. 2004માં, કચ્છ યુનિવર્સિટીને યુ.જી.સી.ના 2(F) ની માન્યતા મળી. ત્યારબાદ 2018માં, યુનિવર્સિટીએ યુ.જી.સી.ના 12(B) ની માન્યતા પ્રાપ્ત કરી. 12(B) ની માન્યતા પછી, કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા માટે કાર્યવાહી શરૂ કરવાની હતી, પરંતુ કોરોના મહામારી અને અન્ય સંજોગોના કારણે યુનિવર્સિટી 2018 થી 2023 સુધી નેકની માન્યતા માટે ભાગ લઈ શકી ન હતી.

વર્ષ 2024માં ડો. મોહન પટેલની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણુક થતાં જ તેમણે નેકની માન્યતા માટે પ્રક્રિયા શરૂ કરી. યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર અને IQAC કોર્ડીનેટર ડો. કાશ્મીરા મહેતાના માર્ગદર્શન હેઠળ, કચ્છ યુનિવર્સિટીના સમગ્ર ટીચિંગ તથા નોનટીચિંગ પરિવાર દ્વારા એક વર્ષની મહેનત દરમિયાન 2018 થી 2023ના વિવિધ કાર્યોને નેકના માપદંડ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવ્યા. નેકની ટીમ 3 થી 5 જૂન ૨૦૨૫ દરમિયાન કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ તથા ઓનલાઈન વિઝીટ કર્યા બાદ, યુનિવર્સિટીને નેકની માન્યતા સી-ગ્રેડ સાથે આપવામાં આવી છે.

નેકની માન્યતા માટે યુનિવર્સિટી દ્વારા થતા વિવિધ કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં અભ્યાસક્રમ, શિક્ષણ અને અધ્યયનની પ્રક્રિયાઓ, સંશોધનની નવીનતા, યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લર્નિંગ રિસોર્સીસ, વિદ્યાર્થી સહાય અને પ્રગતિ, શાસન, નેતૃત્વ અને વ્યવસ્થાપન તથા સંસ્થાકીય મૂલ્યો અને શ્રેષ્ઠ પ્રથાઓ જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ સી-ગ્રેડ ના કારણો જોતાં 2018 થી 2023 દરમિયાન કોરોના મહામારી અન્ય કુદરતી આફતો, કાયમી શિક્ષકો અને કર્મચારીઓની અછત, મર્યાદિત શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલ ઓછા સંશોધન કાર્ય, વિદ્યાર્થીઓનું કચ્છની બહાર સ્થળાંતર, અને યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલોપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળો કારણો હોઈ શકે છે.

ડો. મોહન પટેલના જણાવ્યા મુજબ, યુનિવર્સિટીને સૌપ્રથમ નેકની માન્યતા મળવી મહત્વપૂર્ણ છે. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ કાર્યોને નેકના મૂલ્યાંકન દરમિયાન યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું, પરંતુ ઉપર જણાવેલ અમુક મર્યાદાઓના કારણે યુનિવર્સિટીને સી ગ્રેડ પ્રાપ્ત થયો છે.

આજરોજ કુલપતિશ્રીએ તમામ શૈક્ષણિક કર્મચારીઓ સાથે મીટીંગ કરી અને નેકના પરિણામની ચર્ચા કરી. ડો. પટેલે ઉમેર્યું કે, ભવિષ્યમાં સારા ગ્રેડ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ આયામો હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટીના જે નબળા પાસાઓ નેક દ્વારા તેમના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે, તે મુદે વધુ સારા પ્રયત્નો કરી સુધારવામાં આવશે.

કુલસચિવ ડો. અનિલ ગોર દ્વારા નેક પ્રક્રિયામાં ભાગ લેવાના ઉત્તમ કાર્ય માટે કુલપતિશ્રી ડો. મોહન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને IQAC ના વડા ડો. કાશ્મીરા મહેતાને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને યુનિવર્સિટીના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો  સાથો સાથ ડો. ગૌરવ ચૌહાણ, કે જેમણે નેકની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે અરજી થી પિયર ટીમની  વિઝીટ દરમિયાન યુનિવર્સિટીના સત્તાધિકારીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી અને યુનિવર્સિટીની નેકની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, તે માટે કુલપતિ અને કુલસચિવ દ્વારા ડો. ચૌહાણને અભિનંદન આપવામાં આવ્યા હતા.

You may also like

Leave a Comment