વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત આજરોજ ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઔદ્યોગિક એક્ઝિબિશન તેમજ હસ્તકલા- હેન્ડલુમ એક્ઝિબિશનનું લોકાર્પણ કર્યું હતું.
બે દિવસીય વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત યોજાયેલા ઔદ્યોગિક એક્ઝિબિશનમાં કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝે ભાગ લીધો છે. જેનો મૂળ હેતુ ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાં એકબીજાનો સહકાર મેળવીને વિકાસ સાધે તે છે. આ સાથે કચ્છના વિવિધ કલાકારીગરીના કારીગરોને પણ વાઇબ્રન્ટ કચ્છ અંતર્ગત માર્કેટિંગ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. જેમાં વિવિધ કારીગરોએ પોતાની કલાના નમૂનાઓને રજૂ કર્યા છે. ઉદ્યોગમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તથા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ એક્ઝિબિશનના લોકાર્પણ બાદ ઉદ્યોગકારો તેમજ કારીગરોની મુલાકાત લઈને તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મંત્રીશ્રીએ આ તકે ઉદ્યોગકારોને કચ્છમાં વધુમાં વધુ રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ હસ્તકલાના કારીગરો સાથે સંવાદ સાધીને તેમની કલાકારીગરી અંગે માહિતી મેળવી હતી.
એક્ઝિબિશનના પ્રથમ દિવસે વિવિધ સ્ટોલની ગાંધીધામના શહેરવાસીઓ, ઉદ્યોગકારો તેમજ વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને વિવિધ વિષય પર માહિતી મેળવી હતી.