કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના હેલ્થ & વેલનેસ સેન્ટર – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપરને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત એનાયત કરવામાં આવ્યુ છે. હેલ્થ & વેલનેસ સેન્ટર સુખપરએ નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ( NQAS) ના ધારા ધોરણો અંતર્ગત ૮૮.૭ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનુ સર્ટિફિકેટ મેળવ્યુ છે.
આરોગ્ય સેવાની લગતી રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓપીડી, આઇપીડી, લેબોરેટરી, લેબરરૂમ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન એમ કુલ ૬ ડિપાર્ટમેન્ટના દરેક ડિપાર્ટમેન્ટ દીઠ ૮ એરિયા ઓફ કન્સરનને ૧૩૬૩ જેટલા ચેકપોઇન્ટની ચકાસણી રાષ્ટ્રીયકક્ષાનાં નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી હતી. તદુપરાંત દર્દીઓના આરોગ્યની સેવા તથા સુવિધાના અલગ માપદંડ મુજબ અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.
વિવિધ પ્રકારના ચેકલીસ્ટ મુજબ હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે ચકાસણી થયા બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપરને સેવા સુવિધા ગુણવત્તા સબંધિત ૮૮.૭ ટકા માર્કસ સાથે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ(NQAS) એટલેકે રાષ્ટ્રીય ગુણવત્તા ખાત્રી ધોરણનું રાષ્ટ્રીય કક્ષાનુ પ્રમાણપત્ર એનાયત કરાયું છે. જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓમાં પણ ઉતરોત્તર વધારો થશે અને હેલ્થ & વેલનેસ સેન્ટર – સુખપર દ્વારા સર્વિસ ડિલિવરીમાં ગુણવતાના ધોરણોને સુધારવામાં યોગદાન આપીને દર્દી કેન્દ્રિત ગુણવતા સુધારણાના ટકાઉ મોડેલ માટે માર્ગ મોકળો થયો છે.
આ પ્રમાણપત્ર મેળવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.રોહિત ભીલ, ડો.અંકિતા વાલા સહિત તમામ સ્ટાફ, ગામના સરપંચશ્રી અમ્રતબેન ગોરસિયા, પૂનમબેન મેપાની સહિત અન્ય આગેવાન અને ગ્રામજનોના સંપૂર્ણ સહયોગ થકી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કેશવકુમાર સિંહ, જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.અમીન અરોરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.રવિન્દ્ર ફુલમાલીના માર્ગદર્શન થકી આ સિદ્ધિ મેળવેલી છે. રાજ્ય આરોગ્ય સેવાઓ અને માળખાકીય સુવિધાઓને ગુણવતાયુક્ત બનાવવાની સરકારની નેમ છે. ત્યારે જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલા આ સન્માન બદલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્થ & વેલનેસ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપરની સમગ્ર ટીમ તથા જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.