આજરોજ કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે બિપરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે બાદ કેન્દ્રિય મંત્રીશ્રી માંડવીયાએ ભુજ ખાતે વાવાઝોડાના સંભવિત ખતરા સામે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરીને જવાનો સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીશ્રીએ આર્મીના જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, કોઈપણ આપદા હોય આર્મીની હાજરી માત્રથી લોકો સુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે. નાગરિકોનો એક અતૂટ ભરોસો આર્મી પર છે. આપદા સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈએ કેન્દ્રિય મંત્રી શ્રી માંડવીયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીની અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
ભુજ આર્મી સ્ટેશનના બિગ્રેડિયર અમર કુહિતેએ કેન્દ્રિય મંત્રીશ્રીને આપદા સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી કુહિતેએ જણાવ્યું હતું કે, આર્મીની જવાનો બચાવ રાહતની સામગ્રી સાથે કોઈપણ આપદાને પહોંચી વળવા તૈયાર છે.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લાના પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ સહિત આર્મીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.