સરકાર ભૂકંપગ્રસ્ત વેપારીઓના દુકાનોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવશે -મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ ભુજ ટાઉનહોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મંચ પરથી પ્રતિકરૂપે ૨૦ લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સનદ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોકોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે, આજે મોટા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે જેથી સૌ માટે આનંદની ક્ષણ છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ એવી હતી કે કચ્છ બેઠું થશે કે નહીં તે પણ એક પ્રશ્ન હતો. જોકે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કચ્છ પ્રત્યે અનન્ય પ્રેમ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ કચ્છ માટે જે પણ કરવું પડે તે કરીને આજે કચ્છને બીજા જિલ્લાઓ સમકક્ષ જ ઝડપથી વિકાસ કરતું બનાવ્યું છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયત્નોથી અનેક વેપાર ઉદ્યોગો આવ્યા છે. પાણી સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારે સૌથી વધારે નાણાં કચ્છ જિલ્લા માટે ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં યોજાયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ સ્વાગત કાર્યક્રમ વર્ષ ૨૦૦૩માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યો હતો. પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓને વાચા આપતો કાર્યક્રમ એટલે સ્વાગત કાર્યક્રમ છે. સ્વાગત ઓનલાઇન કાર્યક્રમથી લાંબા સમયના પડતર પ્રશ્નોનો નિકાલ થયો છે. નાનામાં નાના માણસનો વિચાર કરીને આગળ વધવું તે જ વડાપ્રધાનશ્રીની કાર્યપદ્ધતિ છે. આ કાર્યપદ્ધતિ પર ગુજરાત સરકારની ટીમ કામ કરી રહી છે.

તેઓએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને પોતાના આવાસો મળ્યા છે. કચ્છમાં ધરતીકંપ આવ્યો અને લોકોના ઘર પડી ગયા. પુનર્વસન થકી નવા બનાવેલા મકાનોનું પોતાપણું આજે સનદ દ્વારા પૂર્ણ થયું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે ૧૪ હજાર લોકોને પોતાના ઘરની સનદ અને પ્રોપર્ટી કાર્ડ મળી રહ્યા છે તે વાતનો તેમને ખૂબ જ આનંદ છે. મુખ્યમંત્રીએ ભૂકંપના દિવંગતોની યાદમાં બનાવેલા સ્મૃતિવન મ્યૂઝિયમનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ખૂબ જ સારી રીતે આ મ્યુઝીયમને તૈયાર કરવામાં આવ્યું છે. અહીં ભૂકંપના દિવંગતોના સ્વજનો અને લોકો આવીને એ વખતની કચ્છની ભૂકંપની પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકે છે. ભૂકંપ પછી કચ્છના લોકો અને કચ્છ જે રીતે બેઠું થયું એ સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાખમાંથી પણ બેઠી થાય એવી ખમીરવંતી પ્રજા કચ્છની પ્રજા છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે, સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનીએ.

પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ કાર્યક્રમના ઉપક્રમે સંબોધન કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ગુજરાતને નવી દિશામાં લઇ જઇ રહ્યા છે. તેઓએ કચ્છને વિશ્વના નકશામાં મુકવા વડાપ્રધાનશ્રીએ જે યજ્ઞ પ્રજ્વલિત કર્યો હતો તેને મુખ્યમંત્રીશ્રીએ યથાવત રાખ્યો હોવાનું જણાવીને કચ્છના ભૂકંપઅસરગ્રસ્તો માટે આજના દિવસને શુભ ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા.

સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ધરતીકંપમાં પડી ભાંગેલા કચ્છને બેઠું કરવા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જવાબદારી સંભાળીને કચ્છના હિતમાં અનેક નિર્ણયો લઇને કચ્છના વિકાસને વેગ આપ્યો હતો. જેમાં અસરગ્રસ્તોના આવાસની વ્યવસ્થા પણ સામેલ હતી. પરંતુ માલિકી હક્ક આપવાના બાકી હતા તે પણ આજે ગુજરાત સરકારે સંવેદનશીલતા અપનાવીને લાભાર્થીઓને આ હક્ક આપી દેતા આજે અસરગ્રસ્તો માટે ખૂશીનો દિવસ છે. કચ્છના વિકાસ માટેના પડતર પ્રશ્નોનું નિવારણ લાવવા બદલ સાસંદશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કચ્છના ભૂકંપના અસરગ્રસ્તોના વણઉકેલાયેલા પ્રશ્નને ગંભીરતાથી લઇને પરીણામલક્ષી કામગીરી કરવા બદલ ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી તથા જિલ્લા વહીવટીતંત્રનો ખાસ આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, ધરતીકંપ બાદ અસરગ્રસ્તોને આવાસ તો મળી ગયા હતા પરંતુ માલિકી હક્કથી તેઓ વંચિત હતા. જે હક્કનું આજે વિતરણ કરાશે તે ખુશીની બાબત છે. લોકોની ખુશાલીમાં આજરોજ સામેલ થવા બદલ કચ્છીઓ વતી ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો ખાસ આભાર વ્યકત કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી તેમજ મંચસ્થ મહાનુભવોને આવકાર આપતા કચ્છ કલેકટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ધરતીકંપ બાદ અસરગ્રસ્તો માટે બનેલા આવાસના માલિકી હક્કનો જે પ્રશ્ન હતો તે ૨૦૨૨માં રેવન્યુ વિભાગે કરેલી ખાસ જોગવાઇ મુજબ ઉકેલ લાવીને કુલ ૧૪ હજાર જેટલા લાભાર્થીઓને સનદ તથા પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી રજનીભાઈ પટેલ, પૂર્વ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિર, કચ્છ કલેકટર શ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.‌પ્રજાપતિ સહિત પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશે

ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »