ઉજ્જૈનના મહાકાલ મંદિર પાસેના નરસિંહ ઘાટ પર પાર્ક કરાયેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે. શખ્સનો મૃતદેહ ડ્રાઈવરવાળી સીટ પર હતો, અને તેના પગ કારના સ્ટીયરિંગ પર રાખેલા હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જે કારમાંથી મૃતદેહ મળ્યો તે ગુજરાત પાસિંગની કાર હતી.
મહાકાલ મંદિરથી અંદાજે 800 મીટર દૂર નરસિંહ ઘાટ આવેલો છે. જ્યાં પોલીસને એક લાવારીશ પાર્ક કરેલી કાર મળી આવી હતી. ચેક કરતા જાણવા મળ્યુ કે, આ ગુજરાત પાસિંગની કાર છે અને તેમાં એક શખ્સનો મૃતદેહ મૂકાયેલો છે. મહાલાક પોલીસ ચોકીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, GJ 03 LR 9189 કાર ગુજરાત પાસિંગની છે, જેમાં શખ્સનો મૃતદેહ મૂકાયો હતો. આ કાર રાજકોટના હમીરભાઈ સુસારા નામના શખ્સના નામે રજિસ્ટર્ડ છે.