આધાર કાર્ડની સાથે પાન કાર્ડમાં પણ તે મોબાઈલ નંબર હોવો જરૂરી છે. પહેલા કોઇ પણ મોબાઈલ નંબર આપ્યા બાદ જીએસટી નંંબર ફાળવી દેવામાં આવતો હતો. તેના બદલે આધાર અને પાનકાર્ડમાં મોબાઇલ નંબરની પૂરતી ચકાસણી કર્યા બાદ બાયોમેટ્રિક પદ્ધતિથી જીએસટી નંબર અપાશે જીએસટી રજિસ્ટ્રેશન માટે હવે આધાર કાર્ડ સાથે જે મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હશે તેનાથી જ જીએસટી નંબર મેળવી શકાશે.તેવો નિર્ણય જીએસટી કાઉન્સિલે કર્યો છે. આ પાઈલટ પ્રોજેક્ટનો પ્રારંભ ગુજરાતથી થશે.
કરચોરી રોકવા માટે જીએસટી કાઉન્સિલની 48મી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જીએસટીમાં નવા રજિસ્ટ્રેશન કરતા વેપારીઓ માટે કેટલાક મહત્વના સુધારા પણ કરવામાં આવ્યા છે. છેતરપિંડી કરનારા લોકો અત્યાર સુધી પોતાને ત્યાં કામ કરતા ડ્રાઈવર, નોકર, મજૂરો કે જરૂરિયાતમંદ લોકોને લાલચ આપીને તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ અને જરૂરી દસ્તાવેજો મેળવી તેમની જાણ બહાર પેઢી શરૂ કરીને જીએસટી રજિસ્ટ્રેશન કરાવી લેતા હતા. ત્યાર બાદ કરોડોનું કૌભાંડ કરીને તે પેઢી બંધ કરી દેતા હતા.
નવા રજિસ્ટ્રેશન માટે હવે કરદાતા જે પાન કાર્ડ અને આધાર કાર્ડ આપશે તેમાં નોંધાયેલા મોબાઇલ અને ઇ-મેઇલ ઉપર જ રજિસ્ટ્રેશન માટેનો ઓટીપી આવશે. અરજદાર આ ઓટીપી સબમિટ કરશે ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરી શકશે. આમ કરદાતાની જાણ બહાર તેના નામે પેઢી બનાવી રજિસ્ટ્રેશન લઈ શકાશે નહીં. તેના કારણે બોગસ બિલિંગના કેસમાં તેનું નામ ખૂલે તો તેની જાણ બહાર જીએસટી નંબર લેવામાં આવ્યો છે તેવું કહી શકશે નહીં.