શહેરમાં ખાનગી સ્કૂલો દ્વારા એફઆરસીના આદેશને નેવે મુકીને મન ફાવે તેવી ફી વસૂલાતી હોવાની રજૂઆત વડોદરા વાલી મંડળ દ્વારા આજે ફરી એક વખત ડીઈઓ તેમજ એફઆરસી કમિટિના ચેરમેન સમક્ષ કરવામાં આવી છે.
સ્કૂલો પોતાની જ મરજી પ્રમાણે ફી લઈ રહી છે અને એફઆરસીનુ જાણે સ્કૂલો પર કોઈ નિયંત્રણ જ નથી.શહેરની મોટાભાગની સ્કૂલો એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવતી હોય તે નોટિસ બોર્ડ પર કે વેબસાઈટ પર જાહેર પણ કરી રહી નથી.આમ એફઆરસીના નિયમોને જાણે શાળાઓ ઘોળીને પી ગઈ છે અને તેમની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી.
વડોદરાની ૨૦ સ્કૂલો હાઈકોર્ટમાં ગઈ હતી અને આ મામલામાં હાઈકોર્ટે એફઆરસીને ફી પર ફરી વિચારણા કરવાનો આદેશ આપ્યો છે.જોકે તેનુ ખોટુ અર્થઘટન વડોદરાની બીજી સ્કૂલો પણ કરી રહી છે.બીજી તરફ એફઆરસી દ્વારા આ ૨૦ સ્કૂલોની ફી નક્કી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે અને એફઆરસીનો દાવો છે કે,આ સ્કૂલોની ફી નક્કી થઈ ગઈ છે પણ કમિટિ ગુજરાત સરકાર રાજ્યના ચારે ઝોનની એફઆરસી માટે એક સરખા નિયમ બનાવવા માટે રાહ જોઈ રહી છે.એ પછી આ સ્કૂલોની ફી જાહેર કરાશે.
