ફેસબુક, વ્હોટ્સએપ બાદ હવે ઈન્સ્ટાગ્રામ મારફતે વ્યક્તિને ફસાવી પૈસાની માંગણી કરાઈ છે.સુરતના યુવાને મિત્ર સમજી અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સાથે ગાળાગાળી કર્યા બાદ તે ચેટની સ્ક્રીન રેકોર્ડીંગ વાયરલ નહીં કરવા માફિયાકીંગ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી ધમકી આપી રૂ.25 હજારની માંગણી કરાતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીરસોમનાથના કાકીડી મોલીનો વતની અને સુરતમાં પુણાગામ યોગીચોક પ્રમુખપાર્ક સોસાયટી ઘર નં.78 માં રહેતો 22 વર્ષીય કેવલકુમાર બાબુભાઈ રાણપરીયા ઉધના એચટીસી માર્કેટ ખાતે એમ્બ્રોઇડરી વર્ક કરે છે.ગત 20 નવેમ્બરના રોજ રાત્રે 10.23 કલાકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઈન્સ્ટાગ્રામ આઈડી જીજે01_માફિયાકીંગ374 ઉપરથી મેસેજ આવ્યો હતો.મેસેજમાં ગાળો લખેલી હોય તે કરતૂત કોઈ મિત્રની હશે તેમ સમજી કેવલકુમારે પણ તેને મેસેજ કરી ગાળો આપી હતી.કેવલકુમારે તેની સાથે ઓડીયો મેસેજ કરી પણ વાત કરી હતી.જોકે, તે વ્યક્તિએ ચેટનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી દીધું હતું અને તે વાયરલ કરવાની ધમકી આપી રૂ.25 હજારની માંગણી કરી હતી.
ત્યાર બાદ તે વ્યક્તિએ કેવલકુમારના પરિવારના સભ્યોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની લીંક મોકલી ચેટ તેમને મોકલી આપી હતી.તે વ્યક્તિએ કેવલકુમારની પત્ની બાબતે ખરાબ વાત કરી પત્નીને પણ બીભત્સ મેસેજ કર્યો હતો.કેવલકુમારે તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પણ તેણે કેવલકુમારને બ્લોક કરી દીધો હતો.આ અંગે કેવલકુમારે કરેલી અરજીના આધારે સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.