વીમાદારની વિધવા પત્નીએ કરેલા રૃા.50 લાખના ક્લેઈમની માંગને 10 મહીના સુધી હોલ્ડ પર રાખ્યા બાદ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ થતાં જ વીમા કંપનીએ સકારાત્મકતા દાખવી ફરિયાદીના બેંક ખાતામાં ક્લેઈમના નાણાં જમા કરાવી દીધા હતા. જેથી ફરિયાદીએ પણ વ્યાજ, વળતર, ખર્ચની માંગ જતી કરીને ફરિયાદ પરત ખેંચી લીધી છે. સુરત જિલ્લા કમિશનના ઈતિહાસમાં કોઈ ફરિયાદીને મળેલી સૌથી વધુ રકમનો ક્લેઈમ છે.
સુરતમાં રહેતા પિનાકીન પટેલે જાન્યુઆરી-૨૦૨૧માં મેક્સ લાઈન સ્માર્ટ ટર્મ પ્લાન તરીકે ઓળખાતો રૃ.50 લાખનો વીમો મેક્સ લાઈફ વીમા કંપની પાસેથી લીધો હતો.જેનું વાર્ષિક પ્રીમીયમ 32,668 ચાલીસ વર્ષ સુધી ભરવાનું હતુ.પરંતુ વીમાના પ્રથમ વર્ષમાં જ પિનાકીનભાઈને ખાંસી,શરદી કફ તથા શ્વાસ લેવામાં તકલીફ થતાં સ્મીમેર હોસ્પિટલમાં તા.4-4-21ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ન્યુમોનીટીસ વીથ આર્ડસનું નિદાન થતાં તેની સર્જરી બાદ ચાલુ સારવાર દરમિયાન નિધન થયું હતુ.
જેથી મૃત્તક વીમાદારના પત્નીએ વીમા કંપની સમક્ષ રૃા.50 લાખનો ક્લેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ ફરિયાદીને પત્ર લખીને મૃત્તકના તમામ મેડીકલ રેકોર્ડ,છેલ્લે ટ્રીટમેન્ટ કરનાર તબીબ દ્વારા પાસ્ટ મેડીકલ હિસ્ટ્રી વિશે સ્પષ્ટતા તથા એનઓસી જમા ન થાય ત્યાં સુધી ક્લેઈમ હોલ્ડ પર રાખ્યો હતો. 10 મહિના સુધી વીમા કંપનીએ પેમેન્ટ કે યોગ્ય જવાબ નહી આપતા ફરિયાદી ફાલ્ગુનીબેન પટેલ તથા પુત્ર દેવાંશે પ્રાચી શ્રેયસ દેસાઈ તથા ઈશાન દેસાઈ મારફતે વીમા કંપનીની ગ્રાહક સેવામાં ખામી બદલ ગ્રાહક કોર્ટમાં ધા નાંખી હતી. જેના પગલે ચમત્કાર વગર નમસ્કાર નહીં તે ન્યાયે વીમા કંપનીએ સકારાત્મક અભિગમ દાખવીને ફરિયાદીના બેંક ખાતામાં ક્લેઈમના રૃ50 લાખ જમા કરાવી દીધા હતા.જેથી ફરિયાદીએ પણ પણ ક્લેઈમની રકમ પર વ્યાજ, વળતર, ખર્ચની માંગણી જતી કરીને ફરિયાદ પરત ખેંચી લીધી હતી.