સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં સુરત શહેરમાં RTI કરી લોકો પાસેથી ખંડણી કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ નોંધાઈ રહ્યા છે. ઝોન 3 પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ગુનાઓ નોંધવામાં આવ્યો છે. સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં 1, ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયો છે.પોલીસ કમિશ્નર પાસે આ પ્રકારની ઘણી બધી અરજીઓ આવી છે જેમાં RTI એક્ટિવિસ્ટ બની બધી માહિતીઓ મેળવી ખંડણી ઉઘરાવવાનું કામ કરે છે. આ મામલે છેલ્લા 8થી 10 દિવસમાં સુરત શહેરમાં 25થી વધુ ખંડણીના ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આ ચાર ગુના અંતર્ગત હાલ બે લોકોની ધરપકડ કરી છે. શહેરની લાલગેટ પોલીસે એક તથા કતારગામ પોલીસે મિતેષ ઝરીવાલા નામક એક ઈસમની ધરપકડ કરી. લાલગેટ વિસ્તારમાં RTI એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો, જેમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવાઓ મળી આવ્યા હતા. આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીના ત્યાં પણ છાપો મારવામાં આવ્યો હતો.
તે બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો. આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી પૈસા પડાવતો હતો. આરોપીના ઘરેથી બે થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી અને બાંધકામોના ફોટોગ્રાફ્સ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઓફિસની તપાસ કરવામાં આવી હતી. સુરત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ તમામ લોકો RTIની સેવાનો દુરુપયોગ કરી રહ્યા છે. આવા ઈસમોની સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સંડોવણી સામે આવશે તો તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.