આજરોજ કચ્છ જિલ્લાના ભુજ શહેર ટાઉનહોલ ખાતે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૪ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહી ભુજના પશુરોગ અન્વેષણ એકમનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહ દરમિયાન પશુપાલન મંત્રીશ્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો તેમજ પશુપાલક અકસ્માત વીમા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લો કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અગ્રેસર બન્યો છે એ વાતનો આનંદ વ્યક્ત કરીને કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાતના પશુપાલકોના સર્વાંગી વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવામાં પશુપાલન ક્ષેત્ર પૂર્ણ ક્ષમતાથી પોતાની ભૂમિકા અદા કરશે તેમ જણાવીને પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દૂધ અને તેની બનાવટોના વેચાણથી એક નોંધપાત્ર આવક પશુપાલકોને થઈ રહી છે. ભુજ ખાતે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે પશુરોગ અન્વેષણ એકમના નવનિર્મિત ભવનનું ઈ-લોકાર્પણ કરીને પશુપાલન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ જિલ્લામાં પશુઓના રખરખાવ, સંવર્ધન અને સારવાર માટે આ એકમ મહત્વનું બની રહેશે. પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને પશુપાલન કરવા મંત્રીશ્રીએ પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
કચ્છના પશુપાલકોને ઘર આંગણે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કચ્છમાં ટૂંક સમયમાં જ વેટરનીટી કોલેજની સ્થાપનાથી પશુપાલન ક્ષેત્રને વેગ મળશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે કચ્છના પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરહદ ડેરીની સ્થાપના કરી છે. લમ્પિ રોગને નાથવામાં સરકારની સક્રિયતા અને કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના નિર્માણ માટે આર્થિક સહાય જેવા પ્રકલ્પોનો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. કચ્છ જિલ્લો આજે પશુપાલન અને કૃષિના ક્ષેત્રથી રાજ્યના વિકાસમા યોગદાન આપી રહ્યો છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. કચ્છના કમલમ(ડ્રેગનફ્રૂટ), કેસર કેરી, ખારેક સહિત બાગાયતી પાકોની કૃષિ મંત્રીશ્રીએ સરાહના કરી હતી. ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ કૃષિ અને પશુપાલન મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત દેશી ઓલાદોનું સંવર્ધન, દૂધ ઉત્પાદન અને તેના વેલ્યુ એડીશનથી આર્થિક ઉપાર્જન, પશુ સ્વાસ્થ્ય, પશુ માવજત વગેરે ૬ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પશુપાલકોને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર કચ્છના શર્મા વરૂણભાઈ, શ્રેષ્ઠ પશુપાલક તરીકે બીજા નંબરનો પુરસ્કાર મહેસાણાના પાલોદર ગામના પશુપાલક શ્રી પટેલ અતિનકુમાર અને તૃતિય નંબરનો પુરસ્કાર સંયુક્ત રીતે ખેડા જિલ્લાના મહિજ ગામના પટેલ ધ્રુમિનભાઈ અને વલસાડ જિલ્લાના માલવણ ગામના પશુપાલક શ્રી પટેલ રોશની હિરલકુમારને એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના કુલ ત્રણ પુરસ્કારમાં શ્રેષ્ઠ પશુપાલકોને પ્રથમ ક્રમાંકને રૂપિયા ૧ લાખ, દ્વિતિય ક્રમાંકને રૂ. ૫૧ હજાર અને તૃતિય ક્રમાંક વિજેતાને રૂ. ૩૧ હજારના ચેકનું વિતરણ પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રત્યેક જિલ્લા દીઠ બે એમ કુલ ૬૬ જિલ્લાકક્ષાના પુરસ્કાર પશુપાલન મંત્રીશ્રીની ગરિમાયય ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ પશુપાલકોને એનાયત કરવામાં આવ્યા હતા. આ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહમાં તાલુકાદીઠ બે પુરસ્કાર એમ રાજ્યના કુલ ૪૯૬ પશુપાલકોને પુરસ્કારોનું વિતરણ પશુપાલન મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આમ કચ્છના ભુજ ખાતે આયોજિત પશુપાલક પુરસ્કાર સમારોહમાં રૂ.૯૧.૩૮ લાખની રકમના કુલ ૫૬૬ પુરસ્કારો પશુપાલકોને એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન પશુપાલન મંત્રીશ્રીએ ૨૧મી પશુધન વસ્તી ગણતરીનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. પશુધન વસ્તી ગણતરી પશુઓના સર્વાંગી વિકાસ અને સંબંધિત માળખાકીય સુવિધાઓના નિર્માણ તેમજ યોજનાકીય આયોજન માટે હોય પશુપાલકો સરકારને સચોટ માહિતી આપવા પશુપાલન મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લામાં પશુધનની સંખ્યા અને પશુપાલકોના વિશાળ હિતને ધ્યાને લઈને સરકારે તાજેતરમાં ૧૬ પશુ ડોક્ટરની ફાળવણી કચ્છમાં કરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ બે દાયકામાં થયેલા કચ્છના પશુપાલન અને કૃષિના વિકાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કચ્છ જિલ્લાએ અનેક લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. પશુપાલન, કૃષિ, ઉદ્યોગ અને ટુરિઝમ ક્ષેત્રે થયેલા વિકાસનો લાભ આજે કચ્છ સહિત સમગ્ર રાજ્યને મળી રહ્યો છે. કચ્છના ખેડૂતો અને પશુપાલકોની હંમેશા ચિંતા કરવા બદલ સાસંદશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે પ્રાંસગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણ અને માળખાકીય સુવિધાઓના લીધે આજે કચ્છ જિલ્લો પશુપાલન ક્ષેત્રે અગ્રેસર બન્યો છે. સરકારના નિષ્ઠાવાન પ્રયાસોથી કચ્છના પશુપાલકોનું જીવનધોરણ સુધર્યું છે તેમ ભુજ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું. અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આધુનિક ઢબે પશુપાલન ક્ષેત્રનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પશુપાલનના વિકાસથી કચ્છમાં આવેલા પરિવર્તનનો ઉલ્લેખ કરીને ઉમેર્યું હતું કે, પશુપાલન ક્ષેત્રના વધેલા વ્યાપ અને વિકાસથી કચ્છના ગામડાઓ આર્થિક રીતે સદ્ધર બન્યા છે. કચ્છમાં પશુપાલન અને કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસનો ઉલ્લેખ કરીને ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કચ્છના પશુપાલકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્યના પશુપાલન નિયામકશ્રી ડૉ. ફાલ્ગુની ઠાકરે પશુપાલકો માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને આધુનિક ઢબે પશુ સંવર્ધન અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ પશુપાલન વિભાગના અધિકારીશ્રી કે.જી. બહ્મક્ષત્રિય દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે પશુરોગ અન્વેષણ કેન્દ્રના કાર્યાન્વિત થવાથી કચ્છ જિલ્લાના પશુપાલકોને પશુરોગ અંગેની સચોટ જાણકારી અને તેના નિદાન અંગેનું માર્ગદર્શન સ્થાનિકકક્ષાએ ઉપલબ્ધ થશે. રૂ.૧.૬૦ કરોડના ખર્ચે પશુરોગ અન્વેષણ એકમના અત્યાધુનિક બિલ્ડીંગનું ઈ-લોકાર્પણ પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, માંડવી મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, રાપરના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત સરકારના સહકાર, મત્સ્યોઉદ્યોગ, પશુપાલન, ગૌસંવર્ધન સચિવશ્રી સંદિપકુમાર, કચ્છ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, કૃષિમંત્રીશ્રીના અધિક અંગત સચિવશ્રી એચ.એમ.સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, કચ્છના નાયબ પશુપાલન નિયામકશ્રી આર.ડી.પટેલ, શ્રી હરેશ ઠક્કર તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.