કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને લઈને આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રીશ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપરની મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રીશ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રવિન્દ્ર ફૂલમાલી પાસેથી વિગતો મેળવીને પરિસ્થિતિ મુજબ સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછીને રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરીને તમામ પગલા લઈ રહી હોવાનો દર્દીઓને વિશ્વાસ અપાવ્યો હતો.
આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ધનંજય દ્વિવેદી, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, તાલીમી સનદી અધિકારીશ્રી ઈ.સુસ્મિતા, પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથાર સહિત તાલુકાના પદાધિકારીશ્રીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.