Breaking News

રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ

રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ ડેન્ગ્યુ એ અર્બોવાયરસથી થતો અને એડીસ ઇજીપ્તી મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ મચ્છર એક ચમચી જેટલા સંગ્રહ થયેલ સ્વચ્છ પાણીમાં પણ ઇંડા મુકે છે અને તે દિવસ દરમ્યાન કરડે છે. સામાન્ય રીતે જુલાઇથી ઑક્ટોબર માસ દરમ્યાન ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે.

ડેન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાય સક્રીય ભાગીદારી સાથે જોડાય તે માટે દર વર્ષે જુલાઇ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમ “Connect with Community, Control Dengue” એટલે કે “ચાલો સૌ સાથે મળીને ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવીએ” તે નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ વર્ષે ડેન્ગ્યુ રોગ અને તેનાથી થતા મૃત્યુ અટકાવવામાં લોકોનો સાથ – સહકાર પ્રાપ્ત થાય તે માટે આ ઉજવણી એક ઝુંબેશ સ્વરૂપે સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવી છે.

ડેન્ગ્યુના મચ્છરોથી નાગરિકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરવો, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો, પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવાં, દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહનાં તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા, ઘર, ધાબા પર અને ઘરની આસપાસ નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો નાશ કરવો.

ડેન્ગ્યુ અને ચિકુનગુનિયાની કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી જેથી ડૉક્ટરના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં, સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો તેમજ ડેન્ગ્યુ ચિકુનગુનિયાના દર્દીએ સારવાર માટે એસ્પિરિન દવાનો ઉપયોગ ન કરવા આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયુ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?