ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર કેબિનટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આગામી ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લાકક્ષાની ઉજવણી રમતગમત સંકુલ, ઓમ સિનેમાની બાજુમાં, રામબાગ રોડ, ગાંધીધામ ખાતે યોજાશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકો સહભાગી થાય અને કાર્યક્રમ સુચારું રીતે યોજાઈ તે માટે આજરોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરી હતી. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ, ધ્વજવંદન કાર્યક્રમ માટે સંકુલમાં જરૂરી સુવિધાઓનું નિર્માણ કરવા સૂચનો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ શહેરમાં સુશોભન, વૃક્ષારોપણ, સ્ટેજ સાથે મંડપ અને પાણીની વ્યવસ્થા, આમંત્રણ પત્રિકા, પરેડનું આયોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશિષ્ટ કામગીરી બદલ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન, પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન, સ્થળ ઉપર મેડિકલ સુવિધા, સરકારી કચેરીઓ ઉપર રોશની અને રીહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, અંજાર મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, તાલીમી સનદી અધિકારી સુશ્રી ઈ. સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.સી.રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.આર.ઝનકાત અને એ.વી.રાજગોર, ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામકશ્રી ઘનશ્યામ પેડવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા, મામલતદારશ્રી રાહુલ ખાંભરા, ચીફ ઓફિસરશ્રી સંજય રામાનુજ, હોમગાર્ડ પશ્ચિમ કચ્છ કમાન્ડન્ટશ્રી મનિષ બારોટ, હોમગાર્ડ પૂર્વ કચ્છ કમાન્ડન્ટશ્રી ભૂમિત વાઢેર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.