ભુજ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનોના પ્રશ્નોના નિવારણ અર્થે કોર્ટ ઓફ કમિશનરશ્રી વી.જે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વી.જે.રાજપૂતે દિવ્યાંગજનોને તેમના હક્કો વિશે અવગત કરાવતાં જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને તેમની ફરિયાદ સંદર્ભે તેમનાં ઘરઆંગણે ન્યાય મળી શકે અને કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનોના પ્રશ્ન જેવા કે, દિવ્યાંગ પ્રમાણપત્ર, રેશન કાર્ડને લગતા પ્રશ્નો, ધંધા – રોજગારને લગતા પ્રશ્નો, રહેઠાણ પ્લોટ અને મકાનના પ્રશ્નો તેમજ સુગમ્ય ભારત અંતર્ગત વિવિધ સરકારી તેમજ જાહેર સ્થળોની સુગમ્યતાને લગતા પ્રશ્નો અને વિવિધ યોજનાઓના લાભોને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. આ મોબાઈલ કોર્ટ તરફથી તમામ રજૂઆતો સાંભળી ૧૭૧ કેસોમાંથી ૧૨૫ કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે બાકી રહેલા કેસને વધુ સુનાવણી માટે મુલતવી રાખવામાં આવ્યા હતા.
આ મોબાઈલ કોર્ટમાં નાયબ કમિશનરશ્રી એચ. એચ. ઠેબા, કચ્છ જિલ્લા નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી નરેશભાઈ, લીગલ એડવાઈઝરશ્રી પ્રકાશ રાવલ તેમજ સરકારના વિવિધ ખાતાઓના સંલગ્ન અધિકારીઓ હાજર રહ્યાં હતાં.