દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત : 4 સારવાર હેઠળ

ગાંધીનગર
ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. જે બે લોકોના મોત થયા છે. તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે. એકની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ગામ હીબકે ચઢ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે. બોટાદ બાદ ગાંધીનગરમાં દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વર્ષ પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો હતો. ત્યારે હવે દહેગામના લિહોડા ગામમાં દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરાઈ છે. એક તરફ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સરકારે દારૂની પરવાનગી આપી છે, ત્યારે બીજી તરફ ગિફ્ટ સિટીથી માત્ર 32 કિલોમીટર દૂર લિહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયાં છે. તેમજ 4 લોકો હાલ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. બે મૃતકમાંથી એક વિક્રમ નામના શખ્સ પાસેથી દારૂની બોટલ પણ પોલીસને મળી આવી છે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા છે.

આ અંગે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. જેથી લઠ્ઠાકાંડ નથી. રાત્રે જ તકેદારીનાં ભાગરૂપે દારૂ પીધેલા લોકોને ઓબ્જેવેશનમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં અમે કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે. બે લોકોના મોત થયા છે. આગળ વધુ તપાસ દરમિયાન જરૂર લાગશે તો કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે. દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડ સર્જાયો છે. જ્યાં બે વ્યક્તિઓના મોત તેમજ 4 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. એકની હાલત વધું ગંભીર હોવાથી તેને આઈસીયુમાં સઘન સારવાર અપાઈ રહી છે. જ્યારે બીજાને સિવિલના સાતમા માળે દાખલ કરાયો છે.

બીજી તરફ ગાંધીનગર પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, રાત્રે જ દેશી દારૂના સેમ્પલ એફએસએલ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં ઈથેનોલ નહીં હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અત્રેના એક બુટલેગરને ત્યાં ગઈકાલે ઉક્ત લોકોએ દારૂ પીધો હતો. જે બાદ બે જણાની તબિયત વધુ લથડી હતી. જ્યારે અન્ય લોકોને સામાન્ય અસર થઈ હતી. પ્રાથમિક એવું લાગી રહ્યું છે કે, મૃતકોએ વધુ માત્રામાં દિવસ દરમિયાન પણ દારૂ પીધો હોવો જોઈએ. તેમ છતાં અમે અહીં દારૂનું વેચાણ કરતા બે, ત્રણ બુટલેગરોને રાઉન્ડ અપ કરી લીધા છે. આ અંગે પનાના મુવાડા ગામના સરપંચ માનસંગભાઈએ જણાવ્યું કે, ગામમાં મોટાભાગે બહારથી દેશી દારૂ આવતો રહેતો હોય છે. પાડીયા, ચોપા, કાળીપૂરા વિસ્તારોમાં દારૂ વેચાતો હોય છે. સાપાનાં કાળીપુરાથી દારૂ સપ્લાય થતો હોવાનું જાણવા મળ્યું છે. દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિના મોત થતાં પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગર જિલ્લામાં દેશી દારૂના તમામ અડ્ડા ઉપર પોલીસને ધોંસ બોલાવી દેવાના આદેશ છૂટ્યા છે. ખાસ કરીને લિસ્ટેડ બુટલેગરો સામે તવાઈ બોલાવી દેવાના પોલીસને આદેશો આપવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસ મથકની હદ વિસ્તારમાં અલગ અલગ ટીમોને એક્ટિવ કરી દેવાઈ છે. મહત્ત્વનું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓમાં દારૂ ગાળતી વેળાએ તેમાં મિથાઈલ આલ્કોહોલ, મેન્ડ્રેકસ સહિતની નશાકારક વસ્તુઓ ઉમેરવામાં આવે છે. આવી નશાકારક વસ્તુઓ ભેળવેલાં દેશી દારૂને લોકો કરંટવાળા દારૂ તરીકે ઓળખે છે. દેશી દારૂને વધુ નશાકારક બનાવવા મિથાઈલ આલ્કોહોલની છાંટ નાંખવામાં આવે છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ માટે તૈયાર રહેજો

રાજ્યમાં મે મહિનામાં જ અમુક ભાગોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »