આજરોજ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મોટા અંગીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વિવિધ રાજ્યોના વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાન્વિત લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. મોટા અંગીયા ગામ ખાતે વડાપ્રધાનશ્રીના વિવિધ લાભાર્થીઓ સાથેના સંવાદનો કાર્યક્રમ સૌ મહાનુભાવોએ નિહાળ્યો હતો. મોટા અંગીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્યશ્રીએ પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ પાત્રતા ધરાવતા નાગિરકોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી કોઈપણ નાગરિક વંચિત ના રહી જાય એ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ દેશના ગામડે-ગામડે સુધી પહોંચી છે. ધારાસભ્યશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વિવિધ સ્ટોલની મુલાકાત લઈને ગ્રામજનોને યોજનાકીય લેવા માટે અનુરોધ કર્યો હતો.
અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં ભારત દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બને તે નેમ વડાપ્રધાનશ્રીએ લીધી છે. તેઓએ ઉમેર્યું કે દેશનો પ્રત્યેક નાગરિક આ યાત્રામાં જોડાઈને દેશના વિકાસમાં સહભાગી બનશે ત્યારે વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થઈ શકશે. શ્રી દેવજીભાઈએ નાગરિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈને દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં મોટા અંગીયા ખાતે સૌને આવકાર આપીને જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને પોતાના ગામમાં જ યોજનાકીય લાભ મળે તે માટે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સરકારશ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યું છે.
મહાનુભાવોના હસ્તે મોટા અંગીયા ગામના વિવિધ લાભાર્થીઓને ખેતીવાડી શાખાની યોજનાઓ, મિશન મંગલમ અંતર્ગત સખી મંડળને સહાય, ટ્રેક્ટર ખરીદીમાં સબસીડી સહાય, પ્રધાનમંત્રી આયુષ્માનકાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પોષણ કીટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, મહિલા સન્માન સેવિંગ એકાઉન્ટ, સુકન્યા સમૃદ્ધિ યોજના, કેસીસી પશુપાલન યોજના વગેરેનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી અપનાવવા ધરતી કહે પુકાર કે… કૃતિ રજૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મોટા અંગીયા ગામની બાલિકા પંચાયતના સભ્યોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મોટા અંગીયા ગામમાં ઓડીએફ પ્લસ અને હર ઘર જલના લક્ષ્યાંકને હાંસલ કરવા બદલ સરપંચશ્રી ઈકબાલભાઈ ઘાંચીનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે સહાય મળતા ગામના રહેવાસી સુશ્રી આશાબેને પોતાનો પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ગામમાં રોડ રસ્તાઓ, ઈન્ટરલોક સહિતના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન કાર્યક્રમ સમયે મહત્તમ લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી રહે તે ઉમદા હેતુસર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેમ્પ, આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, પીએમ વિશ્વકર્મા યોજના, પોષણ યોજના, પ્રાકૃતિક ખેતી વેચાણ અને માર્ગદર્શન કેમ્પ, સ્વામિત્વ યોજના, ખેતીવાડીની યોજનાઓ, પશુપાલન સહાય અને મહિલા બાળ વિકાસની યોજના, મિશન મંગલમ, પોસ્ટલ વિભાગ સહિત યોજનાઓના કેમ્પ રાખવામાં આવ્યા હતા. ખેતીવાડી શાખા દ્વારા મોટા અંગીયા ગામની વાડીમાં ડ્રોન નિર્દેશન કરીને ખેડૂતોને લાભ લેવા માટે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથના પ્રભારીશ્રી હરેશભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મનિષાબેન વેલાણી, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાવનાબેન પટેલ, આગેવાન સર્વશ્રી દિલિપભાઈ નરસીગાણી, શ્રી રાહુલભાઈ ગોર, શ્રી દક્ષાબેન બારુ, શ્રી નયનાબેન પટેલ, શ્રી જયાબેન ચોપડા, શ્રી ઉત્તપલસિંહ જાડેજા. શ્રી લીલીબેન મહેશ્વરી, શ્રી સંગીતાબેન રૂડાણી, શ્રી જયસુખભાઈ પટેલ, શ્રી બાબુભાઈ ચોપડા, શ્રી હરિસિંહ રાઠોડ, શ્રી કરસનજી જાડેજા, શ્રી ખેંગારભાઈ રબારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જી.રાજપૂત અને સુશ્રી વિજયાબેન પ્રજાપતિ, નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી સુરજ સુથાર, નખત્રાણા મામલતદારશ્રી ડૉ.નીતિ ચારણ, તાલુકા વિકાસ અધિકારીશ્રી દિક્ષિતભાઈ ઠક્કર સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.