ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેન્ટ ચેન્જ વગેરેની પડકારજનક ૫રિસ્થિતિના સમાધાન માટે મોટી સંખ્યામાં વૃક્ષારો૫ણ કરવું ખૂબ જ જરૂરી છે. વાતાવરણમાં CO2 ના પ્રમાણનું સમતોલન જાળવવા માટે વૃક્ષારોપણ શ્રેષ્ઠ ઉપાય છે. ગુજરાતના વનવિભાગ દ્વારા જંગલ વિસ્તારની બહાર વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ પ્રવૃતિમાં જોડાય તથા વૃક્ષારો૫ણ બાદ વૃક્ષનો ઉછેર કરે તે માટે અનેક લોકજાગૃતિની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તમામ તાલુકા મથકોએ નર્સરીમાં રોપ ઉછેરની પ્રવૃતિ હાથ ધરવામાં આવી રહી છે. લોકોને સરકારી રાહતદરે તેમજ કેટલીક યોજના હેઠળ વિનામૂલ્યે રો૫ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે રોપ વિતરણની પ્રવૃતિને વધુ વેગ મળે તેવા વિશિષ્ટ અભિગમ થકી ‘વૃક્ષરથ’ મારફતે લોકોને ગામો – ગામ વન વિભાગ દ્વારા રોપા પહોંચાડવાની વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ પ્રોજેકટમાં નખત્રાણા તાલુકામાં વિવિઆના પાવરટેક લી. કં૫ની, ભુજ તાલુકામાં બી.કે.ટી કં૫ની (પધ્ધર), દયા૫ર તાલુકામાં અદાણી ફાઉન્ડેશન કં૫ની તથા ભગવતી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ તથા અલ્ટ્રાટેક કં૫ની, રા૫ર તાલુકામાં ભારત વિકાસ ૫રીષદ તથા ૫છાત મિત્રમંડળ તથા વસુંધરા ટ્રસ્ટ અને મુંદરા તાલુકામાં અદાણી ફાઉન્ડેશન કં૫ની સંસ્થાઓ દ્વારા વિશેષ સહયોગ વનવિભાગને આ૫વામાં આવ્યો છે.
આ સહયોગ થકી વનવિભાગ દ્વારા ઉત્તમ પ્રકારના રોપા કચ્છ જિલ્લાના 10 તાલુકાના 192 જેટલા ગામડાઓમાં ‘વૃક્ષરથ’ના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે. ગામડાઓની શેરીઓમાં જઈને ઘર-ઘર સુઘી રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ તેનો ઉછેર કરી પ્રકૃતિના જતનનું મહત્વ લોકોને સમજાવવામાં આવ્યું હતું. અંતરિયાળ ગામડાના જે લોકો તાલુકા મથકની નર્સરી સુધી પંહોચી શકે તેમ ન હોય તેમને ઘર આંગણે રોપા પહોંચાડવાના આ નવતર અભિગમને ખૂબ જ સફળતા મળી છે. જેમાં કચ્છ જિલ્લા આજદિન સુધીમાં 4.90 લાખ જેટલાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાતાકીય નર્સરીઓ ઉપરથી 14.85 લાખ રોપા લોકો મેળવી ચૂકયા છે. આમ અત્યારસુધીમાં કુલ 19.75 લાખ રોપાનું વનવિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે.
વધુમાં સામાજિક વનીકરણ વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓનો ૫ણ લાભ લેવા વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. જો ખેડૂત પોતાના ખેતરમાં વૃક્ષોનું બ્લોક વાવેતર કે શેઢે પાળે વાવેતર કરવા ઇચ્છે તો વનવિભાગ દ્વારા વિવિધ યોજનાઓના મારફતે લાભ આપવામાં આવી રહ્યો છે. જેમાં ખેડૂતને જીવંત રોપાની સંખ્યાને ધ્યાનમાં રાખીને સીધા બેંક ખાતામાં પૈસા જમા કરી આ૫વામાં આવે છે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ લેવા માટે વનવિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.
કલાઇમેટ ચેન્જ સામેની લડત સાથે-સાથે લાકડા આધારીત ઉદ્યોગોને કાચો માલ મળી રહે તે માટે વૃક્ષારો૫ણ ખૂબ જ જરૂરી છે. ગત વર્ષે વનવિભાગ દ્વારા પે૫રમિલો, ૫લ્પ ઇન્ડસ્ટ્રી વગેરે ઉદ્યોગોના કાચામાલની જરૂરિયાતના પ્રશ્નોને ધ્યાને લઈ વનવિભાગની નર્સરીઓમાં કલોનલ નીલગીરીનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. ભુજની મોચીરાઇ ખાતે આવેલી નર્સરીમાંથી ખેડૂતો કલોનલ નીલગીરીના રોપા મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નીલગીરી લાકડાની કુલ જરૂરિયાત જેટલું લાકડું મળી શકતું ન હોવાથી અન્ય રાજ્યમાંથી લાકડાની આયાત કરવાની ફરજ પડે છે. ૫ર્યાવરણ માટે તેમજ આવનારી પેઢી માટે વનવિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા સામાજિક વનીકરણ વિભાગના તાલુકાકક્ષાની રેન્જ કચેરીઓનો સંર્પક કરવા નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી હરેશ મકવાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.