કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ અંગે રિસ્ટોરેશનની કામગીરીનો ખ્યાલ મેળવવા અને અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપવા માટે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રીએ આજરોજ મુન્દ્રા મામલતદારશ્રીની કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને મુન્દ્રા તાલુકામાં થયેલી નુકસાની અંગેની વિગતો મેળવીને રજૂઆતો સાંભળી હતી.
મુન્દ્રા મામલતદાર કચેરી ખાતેની બેઠકમાં માંડવી મુન્દ્રાના ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેએ તાલુકાના નુકસાનની સ્થિતિ અંગે નાણાંમંત્રીશ્રીને જાણકારી આપી હતી. ત્યારબાદ નાણાંમંત્રીશ્રીએ બાગાયતી પાકના નુકસાનનો ખ્યાલ મેળવવા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામની મુલાકાત લીઘી હતી. તેઓએ વાડી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાના લીધે ધરાશાયી થયેલા ખારેકના ઝાડ અંગે ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. આ ઉપરાંત, સરવેની કામગીરી સચોટ રીતે અને ઝડપથી થાય તે માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન કચ્છ મોરબી સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાએ પણ સાથે ઉપસ્થિત રહીને નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈને પાક નુકસાનીની વિગતવાર જાણકારી આપી હતી. ખારેક, કેળા, દાડમ વગેરે પાકોમાં વાવાઝોડાના લીધે નુકસાની થઈ છે તેના સરવેની કામગીરી ક્યાં વિસ્તારમાં ચાલી રહી છે વગેરે માહિતી સાસંદશ્રીએ નાણાંમંત્રીશ્રીને આપી હતી. આ સમયે મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ સહિત સ્થાનિક ખેડૂતો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.