પશ્ચિમ કચ્છમાં સોશિયલ મીડિયા દ્વારા લોભામણી જાહેરાતો કરી લોકો સાથે છેતરપીંડી કરનાર ગેંગને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ શ્રી વિકાસ સુડાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, કેટલાક ઇસમો ખોટી આઈડી બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર “એક લાખના ચાર લાખ” જેવી લોભામણી જાહેરાતો તથા વિડિઓ પોસ્ટ કરી લોકો સાથે છેતરપીંડી કરતા હતા.
લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. સોનલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગ દરમિયાન ડી-માર્ટ રેલવે ફાટક નજીક પહોંચતા ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે સોહીલ સલીમ ચાવડા (ઉ.વ. 20, રહેવાસી રહીમનગર, ભુજ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા હતા.તપાસ દરમ્યાન આરોપીઓના મોબાઇલમાંથી “વિશાલ પટેલ” નામની ફેસબુક આઈડી પરથી ભારતીય ચલણની નોટોના બંડલોના વિડિઓ પોસ્ટ કરેલા મળ્યા હતા, જેમાં લોકોને લલચાવવા માટે ખોટા વચનો આપવામાં આવતા હતા. આરોપીએ પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે તે લોકોનો વિશ્વાસ મેળવી પૈસા લઈ છેતરપીંડી કરતો હતો.આ મામલે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓમાં સોહીલ સલીમ ચાવડા (ઉ.વ. 20), રહીમનગર, ભુજ , કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે.જ્ફયારે આ કેસમાં રાર આરોપીઓમાં આબીદખાન પઠાણ,અલીશા કાસમશા શેખનો સમાવેશ થાય છે.પોલીસે ભારતીય ચલણની નોટોના બંડલો (ઉપર-નીચે મૂળ નોટ સાથે) “ચીલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડીયા” લખેલ નોટોના બંડલો, હોન્ડા એક્ટીવા,મોબાઇલ ફોન (૨ નંગ) કબ્જે કરેલ છે.પોલીસ દ્વારા લોકોને સોશિયલ મીડિયા પર આવી લોભામણી જાહેરાતોથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
119

