રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ચાર દિવસીય બીજી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનું આયોજન ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) દ્વારા કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ઓલિમ્પિક અભ્યાસ, ખેલ વિકાસ, ખેલ વિજ્ઞાન, રમતગમત નીતિ નિર્માણ તેમજ વૈશ્વિક ખેલ સંશોધન જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સંમેલન દ્વારા રમતગમતના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ સંમેલનમાં દેશ-વિદેશના પ્રખ્યાત સંશોધકો, ખેલ નિષ્ણાતો અને અકાદમિક્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. તેમની હાજરીથી આ કાર્યક્રમને વૈશ્વિક મહત્વ પ્રાપ્ત થયું છે. આ સંમેલન ભારતને ઓલિમ્પિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય રમતગમત શિક્ષણના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.આ દરમિયાન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક અકાદમીના ડાયરેક્ટર પ્રોફેસર મોકીસએ 2036 ઓલિમ્પિકને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભારતને ઓલિમ્પિક જેવી મોટી વૈશ્વિક ઇવેન્ટ માટે તક મળવી જ જોઈએ. ભારતમાં ઓલિમ્પિક ગેમ્સને લઈને યોગ્ય અને દિશાસૂચક કાર્ય થઈ રહ્યું છે અને દેશભરમાં ઓલિમ્પિક માટે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, વિશ્વનો સૌથી મોટો અને મહાન દેશ અગ્રેસર સ્થાને હોવો જ જોઈએ. તેમણે ઉમેર્યું કે ભારતમાં રમતગમતને વધુ ઊંચા સ્તરે લઈ જવા માટે આ ઉત્તમ સમય છે.વિશ્વભરની નેશનલ ઓલિમ્પિક અકાદમીઓ સાથે તમામ સંસાધનો શેર કરવા અમે તૈયાર છીએ, તેમજ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનોને પણ પૂરતું સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. આ સમગ્ર પ્રયાસો સાથે ભારત ઓલિમ્પિક ગેમ્સના આયોજનના સ્વપ્નની યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે છે એવો વિશ્વાસ સંમેલનમાં વ્યક્ત કરવામાં આવ્યો.
555

