“હું પણ સ્વામિનારાયણના લાડુડી ખાઈને મોટો થયો છું”, ‘સમૈયા શિક્ષાપત્રી’ સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

by minaj
0 comments

 શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ‘સમૈયા’ નામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય 1008 કોશલેન્દ્રપ્રસાદ મહારાજ, મોટા મહારાજ તેજેન્દ્રપ્રસાદ મહારાજ તેમજ ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને જાતે લખી હતી. આજથી 200 વર્ષ પહેલા, સંવત 1882ના વસંતપંચમીના દિવસે વડતાલ ખાતે શિક્ષાપત્રીનું લેખન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર ગ્રંથમાં માત્ર 212 શ્લોકોમાં સમગ્ર સમાજ માટે નૈતિક, ધાર્મિક અને વ્યવહારુ જીવનના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે.શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અંતિમ દિવસે ગાંધીનગર જિલ્લાના અડાલજ ખાતે ‘સમૈયા શિક્ષાપત્રી સમાપન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.સમારોહમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી હજારો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષાપત્રીના મૂલ્યો, સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશો અને તેમના દ્વારા સમાજમાં કરાયેલા સુધારાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.સમાપન સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “આજે લાલજી મહારાજે મારો આભાર માન્યો, પરંતુ હકીકતમાં ભગવાન સ્વામિનારાયણના દેશ અને વિશ્વ પર અણમોલ ઉપકારો છે.” તેમણે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં પરિક્રમા કરીને અનેક કુરિવાજો દૂર કર્યા અને સમાજને સાચો માર્ગ બતાવી રાષ્ટ્રના ઘડતર માટે પાયો નાંખ્યો.અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને હજારો સંતો સાથે સંવાદ કરીને માત્ર 200 શ્લોકોમાં શિક્ષાપત્રીનું નિર્માણ કર્યું, જે એક નૈતિક સંવિધાન સમાન છે. તેમાં બ્રહ્મ સાથે આત્માને જોડવાની પ્રક્રિયા, વ્યવહારુ જીવન માટેના નિયમો અને સામાજિક સુધારાઓનો સ્પષ્ટ માર્ગ દર્શાવવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં વિચરણ કરીને અનેક મંદિરોનું જાતે નિર્માણ કરાવ્યું, ગૌશાળાઓ, વેદશાળાઓ અને પંચદેવ મંદિરોની સ્થાપના કરી. સમાજમાંથી યજ્ઞબલી, જાતિવાદ અને અન્ય અનેક કુપ્રથાઓ દૂર કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “હું પણ સ્વામિનારાયણના લાડુડી ખાઈને મોટો થયો છું.” તેમણે ઉમેર્યું કે આજે સેકડો મંદિરોનું નિર્માણ થયું છે અને વર્ષો બાદ સનાતન ધર્મની વાત કરતી સરકાર દેશને મળી છે. રામ મંદિરનું નિર્માણ, કલમ 370 દૂર કરવી અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) જેવા નિર્ણયો નરેન્દ્ર મોદી સરકારમાં શક્ય બન્યા છે.સમાપન સમારોહના અંતે અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ ન થાય, આવું શાસન ક્યારેય નહીં આવે જે સનાતન પરંપરાને નુકસાન પહોંચાડે. શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણી આચાર્ય મહારાજ ના સાનિધ્યમાં ભવ્ય રીતે પૂર્ણ થઈ હતી, જેમાં બે પેઢીઓ સુધી જોડાયેલા હરિભક્તોએ ભાગ લીધો હતો.

You may also like

Leave a Comment