અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં

by mahi
0 comments

ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભાતીગળ કચ્છના નિરોણા ગામના વાઢા પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ,મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી માત્ર છોલ કરીને વાઢા જાતિના પરિવારો આખું વર્ષ આવા દાંડિયા બનાવે છે અને નવરાત્રી પર્વ ટાંકણે આ ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ સહીત ગુજરાતના અન્ય શહેરો અને મુંબઈની બજારોમાં ઠલવાય છે.જુના ભુજની ઐતિહાસિક ડાંડા બજારમાં ફરતાં હાલે આવા દાંડિયાઓના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે.દાયકાઓથી નવરાત્રી દરમ્યાન દાંડિયાનો વ્યવસાય કરતા હુસેનભાઇ વોહરાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પ્રમાણમાં સારું વેંચાણ થઇ રહ્યું છે. કચ્છના નિરોણાના દાંડિયા ખાસ કરીને જુદા જુદા ગરબી મંડળો જથ્થાબંધ ખરીદે છે અને ગરબીમાં રમવા આવતા ખેલૈયાઓ પોતાને જોઈતા દાંડિયાઓ ઉપાડી દાંડિયારાસમાં જોડાય છે.નિરોણાના વાઢા પરિવારોને આ દાંડિયાઓ બનાવવા ભારે મહેનત કરવી પડે છે અને વન-વગડામાં કલાકોની રઝળપાટ બાદ એકઠા કરાયેલા ગાંગેટી ઝાડની ડાળીઓની છોલ કરીને,બાર કલાકમાં માંડ એકસો જેટલી દાંડિયાની જોડ તૈયાર થાય છે. એક જોડી રૂપિયા વીસના ભાવે દુકાનોમાં વેંચાય છે.હુસેનભાઇ વોહરાએ ઉમેર્યું હતું કે,નાના બાળકો અને મહિલાઓ મોટેભાગે મશીન કટ તેમજ વર્ક વાળા રંગબેરંગી દાંડિયા પસંદ કરે છે તેમ છતાં મશીન અને રોબોટના આ જમાનામાં પણ, છોલ કરેલા ઇકો ફ્રેન્ડલી દાંડિયાનું અસ્તિત્વ હજુ જળવાયેલું છે જે એક આનંદની વાત છે.દરમ્યાન, ભુજના દરબારગઢ પાસે આવેલી ઐતિહાસિક ડાંડા બજારના વેપારીઓ દાંડિયામાં છેલ્લી ઘડીની ખરીદીની રાહ જોઈ રહ્યા છે.આ વખતે ઠેર ઠેર શેરી ગરબીઓ પુનઃજીવિત થવાથી સારો વેપાર થશે તેવો વિશ્વાસ પણ આ વેપારીઓના હૈયે છે.

You may also like

Leave a Comment