30
અનંત અંબાણી દ્વારા સ્થાપિત ભારતની અગ્રણી વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ એન્ડ કન્ઝર્વેશનની પહેલ ‘વનતારા’ દ્વારા આજે ગુજરાતના જામનગરમાં આવેલી પોતાની અત્યાધુનિક ફેસિલિટી ખાતે ‘ઇન્ટ્રોડક્શન ટુ કન્ઝર્વેશન મેડિસિન’ વિષય પર એક વિશેષ પશુચિકિત્સા તાલીમ અભ્યાસક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દઘાટન સમારંભમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી, આઇએફએસ ડો. વી. ક્લેમેન્ટ બેન; ઉત્તરાખંડ સરકારના પૂર્વ પીસીસીએફ અને સીડબ્લ્યુએલડબ્લ્યુ શ્રી દિગ્વિજયસિંહ ખાટી; વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ વરિષ્ઠ પ્રોફેસર અને વડા ડો. પ્રદીપ કે. મલિક; અને જીઝેડઆરઆરસીના ડાયરેક્ટર ડો. બ્રિજકિશોર ગુપ્તા સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિતોએ સહુ ઉપસ્થિતોને સંબોધ્યા હતા અને વન્યજીવનના સ્વાસ્થ્ય તથા સંરક્ષણને આગળ વધારનારી આ સીમાચિન્હરૂપ પહેલના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.18થી 20 ઓગસ્ટ સુધી ચાલનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતના ઝૂ અને વાઈલ્ડલાઈફ કેર ફેસિલિટીસ ખાતેના 54 પશુચિકિત્સકો એકત્ર થયા છે. આગામી બે દિવસ દરમિયાન અહીં હાજર રહેનારા સભ્યો વાઈલ્ડલાઈફ હેલ્થ મેનેજમેન્ટ, ઈમરજન્સી રિસ્પોન્સ, ડિસિઝ સર્વેલન્સ, ડાયેગ્નોસ્ટિક્સ અને પ્રિવેન્ટિવ હેલ્થકેર ક્ષેત્રે રાષ્ટ્રીય ક્ષમતાને સુદૃઢ બનાવવાના હેતુથી નિષ્ણાતોની દોરવણી હેઠળના સત્રો અને તાલીમમાં જોડાશે.આ અભ્યાસક્રમ વનતારાના અગ્રણી નિષ્ણાતો દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોના સહયોગથી હાથ ધરાઈ રહ્યો છે. આ તાલીમમાં ભાગ લેનારા તમામ વાઇલ્ડલાઇફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, ચિત્તા કન્ઝર્વેશન સેન્ટર, એલિફન્ટ કેર સેન્ટર અને તૃણાહારી પ્રાણીઓ માટેના રેસ્ક્યુ સેન્ટર સહિતની વનતારાની અદ્યતન ફેસિલિટીસ ખાતે ક્લાસરૂમ ડિસ્કશન, ક્લિનિકલ ડેમોન્સ્ટ્રેશન અને ઇમર્સિવ ફિલ્ડ એક્સપિરિયન્સ થકી તાલીમ મેળવશે.આ તાલીમી સત્રોમાં ઇમરજન્સી ફિલ્ડ રિસ્પોન્સ, એનેસ્થેસિયા, ડાયગ્નોસ્ટિક મેથડ્સ અને વિવિધ પ્રજાતિઓની સારવાર સહિત પશુચિકિત્સા સંભાળના આધુનિક અભિગમો પર ભાર મૂકવામાં આવશે. આ તાલીમમાં મનુષ્યની સંભાળ હેઠળના પ્રાણીઓ માટે પોષણ, પોડિયાટ્રી, ડેન્ટિસ્ટ્રી અને રિપ્રોડક્ટિવ હેલ્થ સહિતની પ્રિવેન્ટિવ હેલ્થકેર પ્રેક્ટિસિસની પ્રણાલિકાઓ પર ભાર મૂકવાની સાથે-સાથે ડિસિસ સર્વેલન્સ અને ઝૂઓનોટિક રિસ્ક ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે.આ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે ગ્રીન્સ ઝૂઓલોજિકલ, રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર ડો. બ્રિજકિશોર ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ વન્યજીવ સંરક્ષણ માટે સમર્પિત એક મજબૂત પશુચિકિત્સા નેટવર્ક તૈયાર કરવા માટે વનતારાની પ્રતિબદ્ધતાને પ્રસ્તુત કરે છે. પશુચિકિત્સકોનો વ્યવહારુ નિપૂણતા અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રણાલિઓ સાથે પરિચય કરાવીને અમારું લક્ષ્ય પ્રાણીઓની લાંબાગાળાની સંભાળ વધારવાનું અને ભારતની સમૃદ્ધ જૈવવિવિધતાને સુરક્ષિત રાખવામાં અર્થપૂર્ણ યોગદાન આપવાનું છે.”આ તાલીમ ‘હીલિંગ ધ વાઇલ્ડ’ અંતર્ગત યોજાઈ રહી છે, જે પશુચિકિત્સા સંભાળને આગળ વધારવા, વૈજ્ઞાનિકઢબે વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવા અને દેશભરમાં સરકારની આગેવાની હેઠળના સંરક્ષણ પ્રયાસોને ટેકો આપવા માટે વનતારાની મુખ્ય પહેલ છે. આ તાલીમ અભ્યાસક્રમની સફળ સમાપ્તિને અંકિત કરતા ૨૦મી ઓગસ્ટના રોજ સમાપન સત્રમાં તમામ પશુચિકિત્સકોને ભાગ લીધાના પ્રમાણપત્રો એનાયત કરાશે.વનતારા એ 2000થી વધુ પ્રજાતિઓના 150,000થી વધુ પ્રાણીઓનું ઘર છે જ્યાં 3500થી વધુ સમર્પિત પ્રોફેશનલ્સની ટીમના સહયોગથી કરુણાપૂર્ણ સંભાળ કેવી રીતે જીવનને બદલી શકે છે તેનું જીવંત ઉદાહરણ પૂરું પડાય છે. પશુ કલ્યાણમાં વૈશ્વિક માપદંડો જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા સાથે વનતારા ગત મહિને આયોજિત નેશનલ ગજસેવક સંમેલન, કોંગોના વન્યજીવ અધિકારીઓ માટે હાલ ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તાલીમ કાર્યક્રમ, કન્ઝર્વેશન મેડિસિન પરની હાલની રાષ્ટ્રીય પશુચિકિત્સા તાલીમ અને આગામી ઓક્ટોબરમાં નેશનલ ઝૂ ડિરેક્ટર્સ કોન્ફરન્સ જેવા સીમાચિન્હરૂપ કાર્યક્રમોના આયોજન થકી ક્ષમતા નિર્માણનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખી રહ્યું છે. આ પ્લેટફોર્મ્સ સહયોગને પ્રોત્સાહન આપવાની સાથે જ્ઞાનનું આદાન-પ્રદાન કરીને વન્યજીવ સંરક્ષણના ભવિષ્યને આકાર આપે છે.

