અમદાવાદ શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલી શ્રી ભાગ્યોદય અનાજ ભંડાર નામની દુકાન સામે એક મહિલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કર્મચારીઓના કથિત ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. 14 ઓગસ્ટના રોજ 42 વર્ષીય વેપારી રમેશભાઈ કુમાવતનાં પત્ની નર્મદાબેન રમેશભાઈ કુમાવતે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાડી હતી.રમેશભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના નાના ભાઈ લક્ષ્મણ દુકાને હાજર હતા ત્યારે AMCના એસ્ટેટ વિભાગના અધિકારીઓ, તેજસ મકવાણા અને હાર્દિક પટેલ, તેમની દુકાનનું ગેરકાયદેસર બાંધકામ તોડવા આવ્યા હતા.રમેશભાઈએ અધિકારીઓને થોડો સમય આપવા વિનંતી કરી જેથી તેઓ દુકાનનો સામાન બહાર કાઢી શકે, પરંતુ અધિકારીઓએ તેમની વાત ન સાંભળી અને તેમની સાથે બોલાચાલી કરી હતી.આ દરમિયાન, નર્મદાબેન દુકાને પહોંચ્યાં અને તેમણે પણ અધિકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે, અધિકારીઓ માન્યા નહીં, જેથી નર્મદાબેન લાગણીશીલ બન્યાં અને તેમણે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી દીધું. તેમણે ધમકી આપી કે જો દુકાન તોડવામાં આવશે તો તેઓ આત્મહત્યા કરી લેશે. આમ છતાં, અધિકારીઓએ કહ્યું, “તમારે જે કરવું હોય તે કરો.” આ પછી નર્મદાબેને પોતાના શરીરે આગ લગાડી દીધી.આ ઘટના બાદ રમેશભાઈ અને તેમના ભાઈએ કંતાનનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો અને 108 એમ્બ્યુલન્સ મારફતે નર્મદાબેનને એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યાં. 15 ઓગસ્ટની મોડી રાત્રે ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં.આ મામલે રમેશભાઈની ફરિયાદના આધારે GIDC વટવા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 108, 296(B), 351(2), 115(2) અને 54 હેઠળ તેજસ મકવાણા અને હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
28

