CMએ શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કર્યા

by mahi
0 comments

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક એવા ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન-અર્ચન અને જલાભિષેક પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે કર્યા હતા. મુખ્યમંત્રીએ આ શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે પૌરાણિક શિવ મંદિરોના દર્શન-પૂજનનો ઉપક્રમ શ્રદ્ધાપૂર્વક પ્રયોજયો છે. તદઅનુસાર, શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ, ત્યારબાદ બીજા સોમવારે ભરૂચના કાવી-કંબોઇ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ અને ત્રીજા સોમવારે ઐતિહાસિક ધરોહર સમાન વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન-પૂજન તેમણે કર્યા હતા. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શન પૂજન માટે પહોંચ્યા હતા અને ભોળાનાથના ચરણોમાં શિશ ઝુકાવીને શ્રદ્ધાપૂર્વક દર્શન કરીને સૌના મંગલની તથા રાજ્ય-રાષ્ટ્રની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટેના લાડુપોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ પ્રસાદ વિતરણ “પોષણ ભી પઢાઈ ભી”ના સ્લોગન અંતર્ગત કરવામાં આવ્યો હતો.સોમનાથ ટ્રસ્ટ દ્વારા “પોષણ ભી પઢાઈ ભી”ના અભિગમને આગળ ધપાવતા આગામી એક વર્ષ માટે ગીર સોમનાથ જિલ્લામાં 7 લાખ લાડુ પ્રસાદ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ 28 ટન લાડુનો પોષણક્ષમ આહાર આંગણવાડીના બાળકો સુધી પહોંચાડશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવેલા આ દૈનિક પોષણ પ્રસાદ વિતરણમાં આપવામાં આવનારા લાડુના પેકિંગ માટે સોમનાથ ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું ઓટોમેટીક પેકેજીંગ મશીન વિકસાવ્યું છે. આ મશીનના ઉપયોગથી એર ટાઈટ રીતે અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરવામાં આવે છે.એટલું જ નહીં, પર્યાવરણ જાળવણીના સંકલ્પને અનુરૂપ આ લાડુના પેકિંગમાં બાયોડીગ્રેડેબલ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવેલો છે. સોમનાથ દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી એક વર્ષ સુધી અવિરત કરવાનું આયોજન પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેરીની સિઝનમાં “કેરી મનોરથ” યોજીને જિલ્લાની આંગણવાડીના બાળકોને અંદાજિત 2500 કિલો કેરીનું વિતરણ કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ કચ્છની મીઠી મધુરી ખારેકનો સોમનાથ દાદાને મનોરથ કરીને 1500 કિલો ખારેક આંગણવાડીમાં વિતરણ કરવામાં આવી હતી. વિશેષ રૂપે ગીર સોમનાથની આંગણવાડીઓમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા દૈનિક 50 ગ્રામ મગફળી અને ગોળની ચિક્કી પોષણ આહાર સ્વરૂપે એક વર્ષ સુધી વિતરણ કરવામાં આવી હતી.”સૌના નાથ સોમનાથ” એ ધ્યેય સાથે સમાજના દરેક વર્ગને સ્પર્શતી સેવાઓ સોમનાથ ટ્રસ્ટ પુરી પાડતું આવ્યું છે. સોમનાથ મહાદેવને અર્પિત થતા પીતાંબર તથા માતા પાર્વતીને અર્પિત થતી સાડીઓ વસ્ત્રપ્રસાદ સ્વરૂપે છેલ્લા બે વર્ષમાં 17,000થી વધુ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી છે.દર મહિને દાંત રોગ નિદાન કેમ્પ, કૃત્રિમ અંગ વિતરણ, ફિઝિયોથેરાપી સેવા, સર્વ રોગ નિદાન કેમ્પની સેવાનો હજારો લોકોને લાભ મળે છે. ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપીને ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રઢીકરણનું કાર્ય પણ સોમનાથ ટ્રસ્ટ કરે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ ટ્રસ્ટની બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પણ જાણકારી મેળવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી. પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીશ્રીનું સોમનાથ મદિર પરિસરમાં સ્વાગત કર્યુ હતું.મુખ્યમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય સર્વે પ્રદ્યુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર, સંજય પરમાર, પૂર્વ ધારાસભ્ય સર્વ જશાભાઈ બારડ, રાજશીભાઈ જોટવા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા, માનસિંહ પરમાર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

You may also like

Leave a Comment