સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાની હોટલ પર નાયબ કલેક્ટરની કડક કાર્યવાહી

by mahi
0 comments

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ફોરેસ્ટ વિભાગની સંયુક્ત ટીમે ખનીજ માફિયા સામે મોટી કાર્યવાહી હાથ ધરી. થાનગઢ-ચોટીલા હાઇવે પર જામવાડી વિસ્તારમાં આવેલી 6 હેક્ટરથી વધુ સરકારી જમીન પર દબાણ કરીને બાંધવામાં આવેલી ગોકુલ ગ્રાન્ટેજ હોટલ અને અન્ય બાંધકામો તોડી પાડવામાં આવ્યા.વિઠ્ઠલ જાગા અને તેમના પુત્ર રાહુલ જાગાએ 2019થી આ જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને લક્ઝરી હોટલ, બંગલા, 11 દુકાનો, વિશાળ પાર્કિંગ, પંચરની દુકાન, ટ્રક સર્વિસ સ્ટેશન, બગીચો, મજૂરો માટેના રહેણાંક, કોમન ટોયલેટ, બાથરૂમ અને કમ્પાઉન્ડ સહિતનું પાકું બાંધકામ કર્યું હતું. સર્વે નંબર 64, 65, 65/2 અને 2001ની આ જમીન સરકારે રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર કરી હતી.આ હોટલમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અને કાર્બોસેલનું ખનન ચાલતું હોવાની તપાસમાં જાણવા મળ્યું. ફોરેસ્ટ વિભાગે અગાઉ નોટિસ આપી હોવા છતાં, દબાણ ખાલી નહોતું કરાયું. ગુજરાત પબ્લિક પ્રિમાઈસિસ એક્ટ, 1972 હેઠળ પણ નોટિસ જારી કરવામાં આવી હતી. આ મામલે હાઇકો ર્ટમાં અપીલ કરવામાં આવી હતી, પરંતુ કોઈ રાહત ન મળતાં ફોરેસ્ટ વિભાગે વારંવાર દબાણ ખાલી કરવા તક આપી હતી.આજે સવારે 8:30 વાગ્યે નાયબ કલેક્ટર ચોટીલા, મામલતદાર ચોટીલા, મામલતદાર થાનગઢ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મદદનીશ સંરક્ષક અને 42 ફોરેસ્ટ સ્ટાફ સહિત 30 અન્ય સ્ટાફની સંયુક્ત ટીમે આ દબાણ હટાવ્યું. આ કાર્યવાહીમાં 2.75 કરોડનું બાંધકામ અને 10 કરોડની 5.50 હેક્ટર જમીન મળીને કુલ 12.75 કરોડની સરકારી મિલકત મુક્ત કરવામાં આવી.

You may also like

Leave a Comment