35
સુરત શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં વર્ષો જૂના ગંભીર ગુનાઓના ફરાર આરોપીઓને શોધી કાઢવાની કામગીરી અંતર્ગત ક્રાઈમ બ્રાંચની NDPS/ARMS સ્કોડ ટીમ સતત કાર્યરત છે. આ ટીમે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2006માં નોંધાયેલ હત્યાના ગુનામાં મહિલા આરોપીને પકડી પાડી છે. આ મહિલા છેલ્લા 20 વર્ષથી નાસતી ફરતી હતી. જોકે 20 વર્ષ બાદ પણ આ મહિલા સુરતમાંથી જ પકડાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર, આ 20 વર્ષથી નાસતી ફરતી આ મહિલાનું નામ સુગ્યાની હજારી ઉર્ફે અજય (ઉંમર 47) છે. ઓક્ટોબર 2006માં આ સુગ્યાની તેના પતિ અને દીકરાને લઈને પર્વતગામના સંતોષીનગરમાં ઝઘડાની ઘટના બની હતી. દરમિયાન ઝઘડાની વચ્ચે પડેલા સુશાંત નામના યુવકનું લાકડાના ફટકાથી મોત નિપજ્યું હતું. જે બાદ સુગ્યાની અને તેનો આખો પરિવાર ઓરિસ્સાના વિવિધ વિસ્તારોમાં છુપાઈ રહ્યો હતો.પ્રાથમિક પૂછપરછમાં આરોપી સુગ્યાનીએ કબુલાત કરી હતી કે, ‘મોતના કેસ બાદ પોલીસે પકડવાની આશંકાએ તેઓ ઓરિસ્સાના ઝારસુગુડા, બ્રજરાજનગર સહિતના વિસ્તારોમાં ભટકી રહી હતી.’ જોકે હજુ ત્રણ દિવસ પહેલા જ તે કામ માટે અહીં સુરત આવી હતી. જેને પોલીસે બાજ નજર અને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પાંડેસરા વિસ્તારની ઉમીયાનગર સોસાયટી પાસેથી પકડી પાડી હતી.મહત્વની વાત એ છે કે આરોપી સામે CRPC કલમ-70 મુજબનું વોરંટ જારી હતું અને છેલ્લા 20 વર્ષથી પોલીસે તેની તલાશ હાથ ધરેલી હતી. પરંતુ તે વર્ષો સુધી પોલીસ પકડથી દૂર અન્ય રાજ્યમાં ભટકતી રહી, પરંતુ સુરત શહેરમાં પગ મુકતા જ ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી લીધી છે અને તેની પૂછપરછમાં તેને ગુનાની કબુલાત પણ કરી છે. ત્યારે સુરત પોલીસે હાલ તેને લીંબાયત પોલીસ સ્ટેશનના હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

