34
બનાસકાંઠા જિલ્લામાં અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજની સેવા કરી રહ્યા છે. આ જિલ્લાના ડીસા શહેરમાં છેલ્લા સાત વર્ષથી જલારામ ગૌ સેવા સત્સંગ મંડળ દ્વારા જરૂરિયાતમંદ ગૌશાળાઓની ગાયોની અનોખી સેવા કરવામાં આવી રહી છે. આ મંડળ દર ગુરુવારે ભજન સત્સંગનું આયોજન કરે છે અને તેમાંથી મળેલું દાન ગૌશાળાઓને અર્પણ કરે છે.
ડીસામાં જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં નિશુલ્ક ટિફિન સેવા, ગરીબ અને નિરાધાર લોકો માટે ભોજન વિતરણ અને અબોલ પશુ-પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જોકે, ઘણી ગૌશાળાઓમાં ગાયોની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટે ગૌ સેવા માટે જલારામ ગૌ સેવા સત્સંગ મંડળની સ્થાપના કરી. આ મંડળે સાત વર્ષના સમયગાળામાં ગૌ સેવાનું નોંધપાત્ર કાર્ય કર્યું છે. જલારામ ગૌ સેવા સત્સંગ મંડળ દર ગુરુવારે ભજન સત્સંગનું આયોજન કરે છે, જેમાં 500 જેટલા મહિલાઓ અને પુરુષો ભાગ લે છે. આ મંડળની વિશેષતા એ છે કે મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે, જે તેમના સત્સંગને વધુ આકર્ષક બનાવે છે. બનાસકાંઠાના વિવિધ તાલુકાઓમાં આ મંડળ ભજન સત્સંગનું આયોજન કરે છે, જેમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાય છે. આ કાર્યક્રમોમાં મળેલું દાન જરૂરિયાતમંદ ગૌશાળાઓને આપવામાં આવે છે.
મંડળના મહિલા પ્રમુખ પૂજાબેન ઠક્કરના જણાવ્યા મુજબ, આ સત્સંગ મંડળે સાત વર્ષમાં 1 કરોડ 51 લાખ રૂપિયાનું દાન એકત્ર કર્યું છે, જે બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓની 35 જેટલી જરૂરિયાતમંદ ગૌશાળાઓમાં ગાયોની સેવા માટે દાન કરવામાં આવ્યું છે. આ દાનનો ઉપયોગ ગાયોના ચારા, આરોગ્ય સંભાળ અને અન્ય જરૂરિયાતો માટે થાય છે, જેથી ગૌશાળાઓમાં ગાયો ભૂખી ન રહે અને તેમની સ્થિતિ સુધરે.પૂજાબેન ઠક્કરે જણાવ્યું કે, “માણસ તો માંગીને ખાઈ લે, પણ અબોલ પશુઓને કોણ ખવડાવે? આ ઉદ્દેશથી અમે ગૌ સેવા કરીએ છીએ, જેથી કોઈ ગૌશાળામાં ગાયો ભૂખી ન રહે અને તેમની હાલત ખરાબ ન થાય.” આ મંડળની પ્રવૃત્તિઓથી પ્રેરાઈને લોકો મોટી સંખ્યામાં ગૌ સેવામાં જોડાઈ રહ્યા છે, અને આ કાર્યને વધુ વેગ મળી રહ્યો છે.જલારામ ગૌ સેવા સત્સંગ મંડળની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને લોકો સ્વયં આગળ આવીને ભજન સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરવા માટે અપીલ કરે છે. આ મંડળે અત્યાર સુધીમાં 249 ગુરુવારે ભજન સત્સંગનું આયોજન કર્યું છે, જેમાં લોકોનો ઉત્સાહ અને સહયોગ સતત વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,જલારામ ગૌ સેવા સત્સંગ મંડળનો ઉદ્દેશ ગૌશાળાઓની સ્થિતિ સુધારવાનો અને ગાયોની સેવા માટે વધુ દાન એકત્ર કરવાનો છે. આ મંડળ ભવિષ્યમાં પણ આ પવિત્ર કાર્યને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે, અને લોકોને આ ગૌ સેવામાં જોડાવા માટે પ્રેરિત કરી રહ્યું છે.

